તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 28th October 2025
વાવાઝોડુ ગમે ત્યારે આંધ્રના કિનારે ત્રાટકશે
દરિયામાં ૫ મીટર ઉંચા મોજા ઉછળશેઃ ઓડિશા-આંધ્રમાં ભારે વરસાદઃ ૫૪ ટ્રેનો કેન્સલઃ ફલાઈટો પણ રદ : રેસ્કયુ ટીમ ખડેપગેઃ ‘મોન્થા' વાવાઝોડુ દરમ્યાન ૧૧૦ કિમીની ઝડપે વિનાશકારી પવન ફુંકાશેઃ હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા

નવી દિલ્હી, તા.૨૮: ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાનું શરૂ કરી દીધું છે. તે ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે વિશાખાપટ્ટનમ તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારે તે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડું કાકીનાડા નજીક, માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શકે તેવી શકયતા છે. આ સમય દરમિયાન પવનની ગતિ ૯૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓએ સતર્કતા જાહેર કરી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારી શરૂ કરી છે. વિશ્વભરના હવામાન નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, આવનારા વર્ષોમાં તોફાનો વધુ ઝડપી, શક્તિશાળી અને વધુ વિનાશક બની શકે છે. સમુદ્રનું વધતું તાપમાન હવે વાવાઝોડાને અતિશય ઊર્જા પૂરી પાડી રહ્યું છે અને આ ધીમી ગતિના લાંબા સમય સુધી ચાલતા તોફાનો માનવજીવન અને અર્થતંત્ર માટે ગંભીર જોખમ ઉભું કરી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કાકીનાડા-માચિલીપટ્ટનમ દરિયાકાંઠે પહોંચતાની સાથે જ તે તીવ્ર બનશે. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૯૦ થી ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વરસાદ અને પવન ફૂંકાય તેવી શકયતા છે.
લેન્ડફોલ દરમિયાન ૫ મીટર ઊંચા મોજા ઉછળવાની શકયતા છે. દક્ષિણ મધ્ય રેલ્વે એ વિજયવાડા વિભાગ હેઠળ કાર્યરત ૫૪ ટ્રેનો રદ કરી છે. ચક્રવાત મોન્થાની વિનાશક અસર આંધ્રપ્રદેશમાં દેખાવા લાગી છે. દક્ષિણ મધ્ય રેલવે એ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને વિજયવાડા વિભાગ હેઠળ ચલાતી ૫૪ ટ્રેન સેવાઓ રદ કરી દીધી છે. તંત્ર મુજબ આવતા બે દિવસ દરમિયાન વિજયવાડાથી ઉપડતી અને આવતી અનેક પેસેન્જર તેમજ એક્સપ્રેસ ટ્રેનોને પણ રોકી દેવામાં આવી છે. રાજમુન્દ્રી, નિદાદાવોલુ, ગુંટુર, કાકીનાડા, તેનાલી, માર્કાપુરમ, માછલીપટ્ટનમ, નરસાપુર, વિશાખાપટ્ટનમ, ઓંગોલ, ભીમાવરમ અને માશેરલા જેવા મુખ્ય સ્ટેશનો પરથી ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ચક્રવાતને કારણે પ્રતિકૂળ હવામાનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. મુસાફરોને રદ થયેલી ટ્રેનો અંગે SMS એલર્ટ દ્વારા માહિતી પહોંચાડવામાં આવી રહી છે. હવામાન સામાન્ય થતા જ ટ્રેન સેવાઓ પુનઃ શરૂ કરવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની અસરથી દેશના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં આવેલા નવ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડ.
સોમવારે છત્તીસગઢ અને ઝારખંડમાં ભારે વરસાદ પડ્યો. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓ પણ ભીના થઈ ગયા. તોફાન મોન્થાનું નામ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું હતું અને થાઈ ભાષામાં તેનો અર્થ સુગંધિત ફૂલ થાય છે.
ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 24x7 કંટ્રોલ રૂમ તેમજ ૭૪ રાહત કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. અવિરત સંચાર સુનિヘતિ કરવા માટે સેલ ફોન ટાવર્સ પર જનરેટર તૈનાત કરવામાં આવ્યા છે. કલેક્ટરે જાહેર જનતાને સતર્ક રહેવા, અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને તંત્રને સહયોગ આપવા વિનંતી કરી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, ચક્રવાત જમીન પર પહોંચે ત્યારે સમુદ્રમાં ખગોળીય ભરતીથી આશરે એક મીટર સુધી ઊંચા તોફાની મોજા ઊભા થઈ શકે છે, જે દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શકયતા વધારી શકે છે. ૨૯ ઓક્ટોબર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ૨૦ સેન્ટીમીટરથી વધુ વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
