News of Tuesday, 28th October 2025
કરોડોની ખંડણી માટે અપહરણ કરાયેલા ગાંધીનગરના ૪ ગુજરાતીઓ આખરે મુક્ત
સરકારની મદદથી ઈરાનમાં બંધક બનાવાયેલા દંપતી સહિત ચાર વ્યક્તિઓનો છુટકારો ભયંકર શારીરિક યાતનાનો ભોગ બન્યા બાદ તમામની ઘર વાપસીની તૈયારી

ગાંધીનગરઃ જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા અને બાદપુરા ગામના ચાર વ્યક્તિઓના ઈરાનમાંથી અપહરણનો ગંભીર મામલો, જેના કારણે પરિવારજનોમાં ભારે ચિતા હતી, તે હવે સુખદ સમાપ્તિ તરફ છે. કેન્દ્રીય અને રાજ્ય સરકારના સક્રિય હસ્તક્ષેપ બાદ આ ચારેય બંધકોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયું છે.
મુક્તિ ઈરાનના તહેરાનમાં બંધક બનાવાયેલા ચારેય ગુજરાતીઓને ભારત સરકારની મદદથી મુક્ત કરવામાં આવ્યા છે. નજીકના સ્થળે આગમનઃ પ્રાપ્ત માહિતી મુજબ, આ બંધકો હવે સુરક્ષિત રીતે દોહા (કતાર) પહોંચી ગયા છે.
ગુનાનો પ્રકારઃ અપહરણકારોએ મુક્તિ માટે કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી અને બંધકોને શારીરિક ત્રાસ આપ્યો હોવાના અહેવાલો છે, જેના વીડિયો પણ પરિવારજનોને મોકલવામાં આવ્યા હતા. બંધકોને નગ્ન હાલતમાં માર મરાયાની વિડીયો પણ બનાવવામાં આવેલ તેવી ચર્ચા છે
પાકિસ્તાની એજન્ટની ભૂમિકાઃ આ સમગ્ર ઘટના ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને પાકિસ્તાની એજન્ટ દ્વારા કરાયેલી માનવ તસ્કરી અને છેતરપિડીનું પરિણામ હોવાનું માનવામાં આવે છે.
સરકારી કાર્યવાહીઃ માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખીને તાત્કાલિક મદદની માંગણી કરવામાં આવી હતી, જેના પગલે કેન્દ્ર સરકારે ઈરાન સરકાર સાથે સંકલન કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
બાપુપુરા ગામના ચૌધરી અજયકુમાર કાંતીભાઈ, તેમના પત્ની ચૌધરી પ્રિયાબહેન અજયકુમાર, ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈને મુક્ત કરવામાં આવતા તેમના પરિવારજનો અને ગામલોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
હવે આ તમામ ચારેય વ્યક્તિઓ ટૂંક સમયમાં જ ભારત પરત ફરશે. વિદેશ મંત્રાલય દ્વારા તેમની સુરક્ષિત વતન વાપસી માટે જરૂરી દસ્તાવેજી અને કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
આ પ્રકારના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે, જેમાં નોકરી કે વિદેશ જવાની લાલચ આપીને બનાવટી એજન્ટો ભારતીય નાગરિકોને ફસાવે છે. ભારત સરકારે પણ આવા નકલી જોબ ઓફર્સનો શિકાર ન થવા માટે કડક ચેતવણી અને એડવાઇઝરી જારી કરી છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે વિદેશ જવા માટેના એજન્ટો અને તેમના દસ્તાવેજોની સત્તાવાર રીતે ચકાસણી કર્યા પછી જ આગળ વધવું.(૩૮.૨૮)
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
