મોદી સરકારનો કડક કૂટનીતિક નિર્ણય: ભારત તુર્કીના રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમોથી દૂર રહેશે
તુર્કી દ્વારા સતત કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત વિરોધી વલણ અપનાવવાનો વળતો જવાબ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક મોટો અને "ખૂબ જ બોલ્ડ" કૂટનીતિક નિર્ણય લેતા તુર્કીના રાષ્ટ્રીય દિવસની ઉજવણીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. ભારતમાં ટોચના સરકારી અધિકારીઓ તેમજ વિદેશમાં તમામ ભારતીય દૂતાવાસોને આ કાર્યક્રમોનો બહિષ્કાર કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ મોકલી દેવામાં આવી છે.
વિગતવાર અહેવાલ જોઈએ તો ભારત અને તુર્કી (હવે તુર્કિયે) વચ્ચેના કથળતા સંબંધો વચ્ચે મોદી સરકારે એક કડક કૂટનીતિક પગલું ભર્યું છે. ભારતે તુર્કીના રાષ્ટ્રીય દિવસ (૨૯ ઓક્ટોબર)ની ઉજવણીના તમામ કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નિર્ણય અંગેનો સ્પષ્ટ સંદેશો માત્ર ભારતમાં જ ટોચના સરકારી અધિકારીઓને જ નહીં, પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા તમામ ભારતીય દૂતાવાસો અને હાઈ કમિશનને પણ પાઠવી દેવામાં આવ્યો છે.
આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભારતીય પ્રતિનિધિ તુર્કીના દૂતાવાસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપશે નહીં.
આ નિર્ણયને તુર્કી દ્વારા સતત કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત વિરોધી વલણ અપનાવવાના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે.
તાજેતરના સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે, ત્યારે ભારતનું આ પગલું તુર્કી માટે એક સ્પષ્ટ અને કડક સંદેશો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
