<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

‘ડોક્‍ટરોનું ધ્‍યાન રાખવું એ અમારી જવાબદારી': સુપ્રીમની માર્મિક ટકોર

જો કોર્ટ ડોક્‍ટરોનું ધ્‍યાન નહીં રાખે અને તેમની સાથે ઊભી નહીં રહે તો સમાજ અમને ક્‍યારેય માફ કરશે નહીં : કોવિડમાં મૃત ખાનગી ડોક્‍ટરોને સરકારી વીમાનો લાભ મળે સુપ્રીમ કોર્ટ

નવી દિલ્‍હી તા.૨૯: સુપ્રીમ કોર્ટમાં કોવિડ-૧૯ દરમિયાન પ્રાણ ગુમાવનાર ખાનગી ડોક્‍ટરો અને આરોગ્‍ય કર્મચારીઓને સરકારી વીમા યોજનાનો લાભ આપવાના મામલા પર  મંગળવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોર્ટ ડોક્‍ટરોનું ધ્‍યાન નહીં રાખે અને તેમની સાથે ઊભી નહીં રહે તો સમાજ અમને ક્‍યારેય માફ કરશે નહીં.

જસ્‍ટિસ પીએસ નરસિમ્‍હા અને જસ્‍ટિસ મહાદેવનની બેન્‍ચે કહ્યું કે સરકારે એ સુનિヘતિ કરવું જોઈએ કે વીમા કંપનીઓ કાયદા પ્રમાણેના અથવા માન્‍ય દાવાઓ ચૂકવે. એવું માની લેવું ખોટું છે કે ખાનગી ડોક્‍ટરો ફક્‍ત નફા માટે કામ કરે છે. જોકે, આ મામલાને લઈને કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્‍યો છે.

ઉલ્‍લેખનીય છે કે આ મામલો પ્રદીપ અરોરા અને અન્‍ય લોકોની અરજી સાથે જોડાયેલો છે. એમાં બોમ્‍બે હાઈકોર્ટે ૯મી માર્ચ ૨૦૨૧ના એક ચુકાદાને પડકાર્યો હતો, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે ખાનગી હોસ્‍પિટલોના ડોક્‍ટરો કે સ્‍ટાફને વીમાનો લાભ ત્‍યારે જ મળશે જ્‍યારે સરકારે તેમની સેવાઓ સત્તાવાર રીતે માંગી હોય.

સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકારને કહ્યું કે તમે એ જણાવો કે વડાપ્રધાન વીમા યોજના સિવાય એવી કોઈ યોજના છે. આ સાથે કોર્ટે કહ્યું કે અમે એક નિયમ નક્કી કરીશું, જેના આધારે વીમા કંપનીઓ ભવિષ્‍યમા આવા મામલામાં નિર્ણય લઈ શકશે.

આ મામલો કિરણ ભાસ્‍કર સુર્ગડેની સાથે જોડાયેલો છે, જેમણે પોતાના પતિને કોવિડ-૧૯ મહામારી દરમિયાન ગુમાવ્‍યા હતા. તેમના પતિ થાણેમાં એક ખાનગી ક્‍લિનીક ચલાવતા હતા. વીમા કંપનીએ તેમનો દાવો એમ કહીને નામંજૂર કરી દીધો કે તેમનું ક્‍લિનિક માન્‍યતા પ્રાપ્ત કોવિડ હોસ્‍પિટલ નથી.

વડાપ્રધાન ગરીબ કલ્‍યાણ પેકેજ માર્ચ ૨૦૨૦માં શરૂ કરવામાં આવ્‍યું હતું. આ યોજના અંતર્ગત કોવિડ-૧૯ની ફરજ દરમિયાન પ્રાણ ગુમાવનાર આરોગ્‍ય કર્મીઓના પરિવારજનોને રૂપિયા ૫૦ લાખનું વીમા કવચ આપવામાં આવ્‍યું હતું.

(9:58 AM IST)