<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ₹૩૦ કરોડના ખર્ચે તૈયાર ૨૫ નવી ઈ-બસોને ફ્લેગ ઓફ : એકતા નગર બન્યું દેશનું ઉદાહરણરૂપ ઈ-સિટી

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે હરિત પરિવહન સેવા શરૂ : દિવ્યાંગજનો માટે લિફ્ટિંગ સિસ્ટમ અને મહિલાઓ માટે 'પિંક સીટ' ની વિશેષ સુવિધાવાળી કુલ ૫૫ ઈ-બસો હવે પ્રવાસીઓની સેવામાં : 'એકતા નગર પર્યાવરણ સંરક્ષણનું જીવંત ઉદાહરણ'

રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે, નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ૨૫ નવી ઈ-બસોનું લોકાર્પણ (ફ્લેગ ઓફ) આપીને કરવામાં આવ્યું. આ લોકાર્પણ સાથે એકતા નગરમાં હવે કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે, જે હરિત પરિવહન અને ટકાઉ પર્યટન તરફના મોદીના વિઝનને મૂર્તિમંત કરે છે.
વડાપ્રધાન મોદીએ હરિત ધ્વજ લહેરાવીને નવી ઈ-બસોને એકતા નગરના માર્ગો પર દોડવાની મંજૂરી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, એકતા નગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ છે અને ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
નવી બસોની વિશેષતાઓ
આ નવી ૯ મીટર લાંબી એસી મિનિ ઈ-બસો એક વખત ચાર્જ કર્યા પછી ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે. આ બસોમાં પ્રવાસીઓ માટે નીચે મુજબની વિશેષ સુવિધાઓ છે:
 * દિવ્યાંગજનો માટે સુવિધા: ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે, જેથી તેઓ આરામદાયક રીતે ચઢી અને ઉતરી શકશે.
 * મહિલાઓ માટે પિંક સીટ: મહિલાઓ માટે અલગથી ચાર પિન્ક બેઠકો ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકે.
એકતા નગર બન્યું 'ભારતનું પ્રથમ ઈ-સિટી'
વડાપ્રધાન મોદીના "ભારતનું પ્રથમ ઈ-સિટી" વિઝન હેઠળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ તબક્કાવાર રીતે ઈ-કાર, ઈ-રિક્ષા અને ઈ-બસો જેવી હરિત વાહન વ્યવસ્થાઓ શરૂ કરી છે.
વર્ષ ૨૦૨૧ના વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે મોદીએ આ પહેલની જાહેરાત કરી હતી, ત્યારથી એકતા નગર પર્યાવરણમિત્ર પ્રવાસનનું પ્રતીક રૂપે ઉભરી રહ્યું છે. નવી ઈ-બસો ઉમેરાવાથી પ્રવાસીઓ માટે મફત, સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન સેવા વધુ સુગમ બની છે, જે એકતા નગરને ટકાઉ વિકાસ, હરિત ઊર્જા અને સ્માર્ટ ટુરિઝમના સુમેળનું જીવંત પ્રતિક બનાવે છે.

 

(7:24 PM IST)