<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

રશિયાએ યુક્રેનના એનર્જી સેક્‍ટર પર ૬૫૦ ડ્રોનથી કર્યો ઘાતક હુમલોઃ સમગ્ર દેશમાં અંધારપટ

યુક્રેનના વડાપ્રધાને મોસ્‍કોની આ રણનીતિને ‘સુનિયોજિત ઉર્જા આતંક' ગણાવી

કીવ,તા.૩૧: યુક્રેનના ઉર્જા માળખા પર રશિયા સતત મોટા પ્રમાણમાં હુમલા કરી રહ્યું છે. ત્‍યારે રશિયાના વધુ એક હુમલા બાદ ગુરુવારે યુક્રેનના તમામ વિસ્‍તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. યુક્રેનમાં અંધારપટ છવાતા યુક્રેનના વડાપ્રધાને મોસ્‍કોની આ રણનીતિને સુનિયોજિત ઉર્જા આતંક ગણાવી.

અધિકારીઓના અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા ૨ લોકોના મોત થયા અને ૧૭ લોકો ઘાયલ થયા છે, જેમાં ૨ થી ૧૬ વર્ષના બાળકો પણ સામેલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્‍સ્‍કીએ કહ્યું કે, રશિયાએ આ હુમલામાં ૬૫૦થી વધુ ડ્રોન અને અનેક પ્રકારની ૫૦થી વધુ મિસાઈલો છોડી હતી.

રશિયાના પ્રમુખ વ્‍લાદીમીર પુતિને બુધવારે દાવો કર્યો હતો કે, રશિયાના સૈનિકોએ યુક્રેનના બે ખાસ શહેરોમાં યુક્રેનના સૈનિકોને ઘેરી લીધા છે અને તેને સરેન્‍ડર કરવા માટે ડીલ કરવાની ઓફર આપી. જોકે, યુક્રેનના મિલિટ્રી અધિકારીઓએ આ દાવાને ફગાવ્‍યો છે. (૪૦.૧૯)

(10:26 AM IST)