News of Friday, 31st October 2025
GIFT નિફ્ટીનો નવો ઇતિહાસ: ઓક્ટોબરમાં $૧૦૩.૪૫ બિલિયનનું રેકોર્ડબ્રેક ટર્નઓવર!
NSE IX, IFSCA દ્વારા માન્યતા પ્રાપ્ત એક આંતરરાષ્ટ્રીય મલ્ટી-એસેટ એક્સચેન્જ છે અને GIFT-IFSCA માં ૯૯.૭ ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવે છે, જે બજારમાં તેના પ્રભુત્વને કરે છે સાબિત

ગાંધીનગર, GIFT સિટી: ભારતીય નાણાકીય બજારો માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા છે. NSE IX પર ટ્રેડ થતા GIFT નિફ્ટી (GIFT Nifty) એ ઑક્ટોબર ૨૦૨૫માં $૧૦૦ બિલિયનનો આંકડો વટાવીને એક જબરજસ્ત સિદ્ધિ હાંસલ કરી છે.
શુક્રવારે NSE IX દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, GIFT નિફ્ટીએ ઑક્ટોબરમાં $૧૦૩.૪૫ બિલિયન (અંદાજે ₹૯,૧૬,૫૭૬ કરોડ) ના અત્યાર સુધીના સૌથી વધુ માસિક ટર્નઓવરનો રેકોર્ડ નોંધાવ્યો છે, જેમાં કુલ ૨.૦૬ મિલિયન કોન્ટ્રાક્ટ્સનું ટ્રેડિંગ થયું હતું.
વૈશ્વિક આકર્ષણનો વધારો: આ સિદ્ધિ મે ૨૦૨૫ માં સ્થાપિત થયેલા $૧૦૨.૩૫ બિલિયનના અગાઉના રેકોર્ડને તોડી નાખે છે. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે GIFT નિફ્ટીમાં વૈશ્વિક રોકાણકારોનો રસ અને વિશ્વાસ સતત વધી રહ્યો છે, જે ભારતીય વૃદ્ધિ ગાથા માટે એક મજબૂત બેન્ચમાર્ક તરીકે ઊભરી રહ્યું છે.
એક સત્તાવાર નિવેદનમાં, NSE એ તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું, "અમે GIFT નિફ્ટીની સફળતા જોઈને અત્યંત ખુશ છીએ અને આ સફળ કોન્ટ્રાક્ટ બનાવવા બદલ તમામ સહભાગીઓનો તેમના જબરદસ્ત સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ."
કામગીરી શરૂ થયા બાદનો કુલ આંકડો: GIFT નિફ્ટીએ ૩ જુલાઈ, ૨૦૨૩ ના રોજ પૂર્ણ-સ્કેલ કામગીરી શરૂ કરી ત્યારથી તેનું ટ્રેડિંગ ટર્નઓવર ઝડપથી વધી રહ્યું છે. પૂર્ણ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી લઈને આ વર્ષની ૩૦ ઑક્ટોબર સુધીમાં, GIFT નિફ્ટીએ કુલ ૫૨.૭૧ મિલિયનથી વધુ કોન્ટ્રાક્ટ્સનું વોલ્યુમ અને કુલ $૨.૩૯ ટ્રિલિયનનું વિશાળ ટર્નઓવર નોંધાવ્યું છે.
ઓપન ઇન્ટરેસ્ટનો પણ રેકોર્ડ: માત્ર ટર્નઓવર જ નહીં, GIFT નિફ્ટીએ ૨૪ ઑક્ટોબરના રોજ રેકોર્ડ ઓપન ઇન્ટરેસ્ટ (Open Interest) પણ હાંસલ કર્યો હતો. નિવેદન મુજબ, GIFT નિફ્ટીમાં $૨૧.૨૩ બિલિયન (₹૧,૮૬,૨૨૬ કરોડ) ના મૂલ્યના ૪૧૦,૧૦૦ કોન્ટ્રાક્ટ્સનો ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યો હતો, જે અગાઉના $૨૦.૮૪ બિલિયનના ઉચ્ચતમ સ્તરને વટાવી ગયો હતો.
NSE IX, જે ૫ જૂન, ૨૦૧૭ ના રોજ GIFT સિટીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, તે IFSCA દ્વારા માન્યતા પ્રાપ્ત એક આંતરરાષ્ટ્રીય મલ્ટી-એસેટ એક્સચેન્જ છે અને GIFT-IFSCA માં ૯૯.૭ ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવે છે, જે બજારમાં તેના પ્રભુત્વને સાબિત કરે છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
