News of Saturday, 1st November 2025
કેજરીવાલે પંજાબમાં શીશ મહેલ બનાવ્યો ? ભાજપે સેટેલાઇટ ઈમેજ શેર કરી: આપે એલોટમેન્ટ લેટર માંગ્યો : દાવો ખોટો ગણાવ્યો
રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પણ આ ઈમેજ શેર કરી અને સમાન આરોપો લગાવ્યા આમ આદમી પાર્ટીએ તેને ખોટો દાવો ગણાવતા, કેજરીવાલને એલોટમેન્ટ લેટર રજૂ કરવા પડકાર ફેંક્યો

નવી દિલ્હી : દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર બીજો શીશ મહેલ બનાવવાનો આરોપ લગાવ્યો છે. ગુગલ અર્થમાંથી એક સેટેલાઇટ ઈમેજ શેર કરીને, દિલ્હી ભાજપે આરોપ લગાવ્યો છે કે કેજરીવાલે હવે પંજાબમાં શીશ મહેલ બનાવ્યો છે. રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પણ આ ઈમેજ શેર કરી અને સમાન આરોપો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીએ તેને ખોટો દાવો ગણાવતા, કેજરીવાલને એલોટમેન્ટ લેટર રજૂ કરવા પડકાર ફેંક્યો છે.
દિલ્હી ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક બંગલાની સેટેલાઇટ તસવીર શેર કરી છે. તેમાં લખ્યું છે કે- બિગ બ્રેકિંગ - સામાન્ય માણસ હોવાનો ડોળ કરતા કેજરીવાલે બીજો ભવ્ય શીશ મહેલ બનાવ્યો છે. દિલ્હીમાં શીશ મહેલ ખાલી કર્યા પછી, પંજાબના સુપર સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબમાં શીશ મહેલ બનાવ્યો છે, જે દિલ્હી કરતા પણ વધુ ભવ્ય છે. અરવિંદ કેજરીવાલે ચંદીગઢના સેક્ટર 2માં સીએમ ક્વોટામાંથી 2 એકરનો વૈભવી 7- સ્ટાર સરકારી બંગલો મેળવ્યો છે.
આમ આદમી પાર્ટીએ ભાજપના દાવાઓને ખોટા ગણાવ્યા છે. એટલું જ નહીં, AAP એ ભાજપને એલોટમેન્ટ લેટર બતાવવાનો પડકાર ફેંક્યો છે. દિલ્હી AAPએ એક્સ હેન્ડલ પર લખ્યું છે કે- જ્યારથી વડાપ્રધાનની નકલી યમુના વાર્તાનો પર્દાફાશ થયો છે, ત્યારથી ભાજપ ગભરાઈ ગઈ છે. અને આ ગભરાટમાં, ભાજપ આજકાલ બધું જ ખોટુ બનાવી રહી છે. નકલી યમુના, નકલી પ્રદૂષણના આંકડા, નકલી વરસાદના દાવા અને હવે નકલી 7 સ્ટાર ઘરનો દાવો. ભાજપ ખોટો દાવો કરે છે કે ચંદીગઢમાં 7 સ્ટાર ઘર બનાવવામાં આવ્યું છે , પરંતુ ચંદીગઢનું વહીવટ ભાજપ સાથે છે. ફક્ત તેઓ જ કંઈક બનાવી શકે છે, બીજું કોઈ નહીં. ભાજપ ખોટો દાવો કરે છે કે કેજરીવાલજીને ઘર ફાળવવામાં આવ્યું છે, તો પછી એલોટમેન્ટ લેટર ક્યાં છે ? ગભરાયેલી ભાજપ મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસની તસવીર શેર કરીને ખોટા દાવા કરી રહી છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
