<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ખેડૂતોની આશા ઉપર ભાજપ સરકારે પાણી ફેરવ્‍યું : અરવિંદ કેજરીવાલ

સુરેન્‍દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના વાટાવચ્‍છ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહા પંચાયત

(ફઝલ ચૌહાણ  દ્વારા), વઢવાણ, તા. ૧ : સાયલાના વાંટાવચ્‍છ ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્‍યાચારના અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માને ખેડૂતોના વિવિધ પ્રશ્‍નો મુદ્દે સરકારને ઘેરી હતી.

આમ આદમી પાર્ટી નેતાઓ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્‍યાચાર વિરુદ્ધ આ મહાપંચાયત યોજાઈ હતી. જેમાં અરવિંદ કેજરીવાલે મંત્રીમંડળના વિસ્‍તરણ અંગે અને બોટાદમાં ખેડૂતોને જેલમાં પુરવા જેવી અનેક બાબતો પર સરકાર પર આક્ષેપ કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે જણાવ્‍યું કે, પંજાબમાં પૂર આવ્‍યું તો પંજાબ સરકારે એક મહિનામાં જ ખેડૂતોના ખાતામાં ૫૦-૫૦ હજાર જમા કરાવ્‍યા પરંતું અહીની સરકાર માત્ર સર્વે કરીને સંતોષ માને છે. ખેડૂતોની આશા પર આ સરકાર પાણી ફેરવી રહી છે.

 કેજરીવાલે જણાવ્‍યું કે, ખેડૂતોએ ૩૦ વર્ષ વોટ આપીને ભાજપને જીતાડી અને એમણે જ આ ખેડૂતોની દિવાળી બગાડી. ભાજપની સરકાર પોલીસને આગળ કરે છે, હું સરકારને કહેવા માંગુ છું કે, એક દિવસ તમે પોલીસને આગળ ન કરો અને પછી જુઓ તમે આ ખેડૂતો તમને દોડાવી-દોડાવીને મારશે.

 અરવિંદ કેજરીવાલે જણાવ્‍યું કે, ગુજરાતની સરકારે પોતાના હક માટે લડતા ખેડૂતોને જેલમાં ધકેલી દીધા. અમે આજે એમના પરિવારજનોએ આજે બોલાવ્‍યા અને આજે અમે એમનું સન્‍માન કરવાના હતા પરંતું આ તાનાશાહ સરકારની પોલીસે એવું ન થવા દીધું અને એમને સ્‍ટેજ સુધી ન આવવા દીધા. હું પીડિત પરિવારો સાથે છું. એક-એક ખેડૂતને અમે જેલમાંથી બહાર કાઢીશું, મોટામાં મોટા વકીલો રોકીને પણ પોતાના હક માટે લડતા ખેડૂતોને જેલમાંથી બહાર લાવીશું.

 આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્‍યું કે, સરદાર પટેલને ભારતનો અને ગુજરાતનો સિંહ કહેવામાં આવે છે, જેમણે સૌથી વધુ લડાઇ ખેડૂતો માટે લડી હતી. એમણે ખેડૂતો માટે અનેક આંદોલન-અનેક સત્‍યાગ્રહ કર્યા. એમણે અંગ્રેજો સામે અહિંસક લડત લડી હતી અને અંગ્રેજોને એમની માંગ માનવી પડી હતી. અંગ્રેજોએ પણ કયારેય લાઠીચાર્જ નહોતો કહ્યો પરંતું ભાજપની સરકાર લાઠીચાર્જ કરીને ખેડૂતોને જેલમાં ધકેલે છે. આ સરકાર અંગ્રેજો કરતા પણ વધુ ક્રૂર છે.

ગુજરાતના ખેડૂતોને હવે ગુજરાતની અર્થવ્‍યવસ્‍થા બદલવી પડશે. આ તનાશાહ સરકાર ભલે ગમે એટલું ડરાવે પરંતું ગુજરાતના ખેડૂતોને હવે ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ. જે લડવૈયાઓ જેલમાં છે એમના પરિવારજનોની સાથે અમે ઉભા છીએ. ગુજરાતના ખેડૂતોએ ભાજપના બહું દંડા ખાઇ લીધા હવે આ ખેડૂત માર નહીં ખાય. હવે ઇટનો જવાબ પથ્‍થરથી આપીશું.

મુખ્‍યમંત્રી ભગવંત માને જણાવ્‍યું કે, અત્‍યારે લોકતંત્ર છે, માણસ જે ઇચ્‍છે એ કરી શકે છે. પરંતું જ્‍યારે તેને અહંકાર આવે ત્‍યારે એનું પતન થાય છે. એમ ગુજરાતમાં હવે ભાજપનું પતન થવાની તૈયારી છે. કારણ કે આ સરકારનો હવે ખેડૂતો પર અત્‍યાચાર વધી ગયો છે. આજે અમે રાજકોટથી અહીં બાયરોડ આવ્‍યા તો અમે જોયું કે અહીં રસ્‍તામાં ખાડા નથી પરંતું ખાડામાં રસ્‍તો છે. આ સરકાર જો સરખો રસ્‍તો ન બનાવી શકતી હોય તો ખેડૂતોનું શું ભલું કરશે.

વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્‍યું કે, ખેડૂતોના પ્ર‘ો ઉઠાવતા ઉઠાવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેલમાં ગયા છે, ઘણા ખેડૂતો જેલમાં છે. આમ આદમી પાર્ટી અને ખેડૂતો એમની અને એમના પરિવારજનોની સાથે છે. એ લોકોને જેલમાં ન જવા દેવા માટે મેં અને ઇસુદાન ગઢવીએ પોલીસ સાથે વાત કરી પરંતું આ ભાજપના ઇશારે કામ કરતી આ પોલીસે અમારી એકપણ વાત ન સાંભળી. આની પહેલા આ સરકારે ખેડૂતોનો અવાજ ઉઠાવતા ચૈતર વસાવાને જેલમાં ધકેલી દીધા હતા. ભાજપવાળાની આ તાનાશાહી સામે આપણે બધાએ લડવાનું છે.

 ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું કે, ૩૦-૩૫ વર્ષ પહેલાં કોંગ્રેસે ખેડૂતો પર અત્‍યાચાર કર્યો, ગોળીઓ વરસાવી અને કોંગ્રેસ ગાયબ થઇ હજી આવી નથી. એમ ભાજપને પણ અહંકાર આવી ગયો છે એટલે ખેડૂતોને હેરાન કરે છે. જો કડદો કરવાવાળા ખદડાઓને જેલભેગા કરવામાં નહીં આવે તો ખેડૂતો ભાજપને ઘરભેગી કરી નાખશે.

 ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું કે, આપણે આપણા લડવૈયા ખેડૂતોને બચાવવા માટે ભેગા થયા છીએ. આ કડદા કરવાવાળા ખદડાઓને આપણે ઘરભેગા કરવાના છે. કારણ કે આ ખદડાઓના લીધે ખેડૂતોને જેલમાં જવું પડે છે. અમારી સરકાર બનશે ત્‍યારે જે પોલીસે અમને જેલમાં પુર્યા છે એ પોલીસ પાસે જ ભાજપના નેતાઓને જેલમાં પુરાવીશું.

 ચૈતર વસાવાએ જણાવ્‍યું કે, ખેડૂત પોતાના પાકનો ભાવ નક્કી નથી કરતા એનો ભાવ ભાજપના વેપારીઓ કરે છે. ખેડૂતો કડદાનો વિરોધ કરે તો એમને જેલમાં નાખવામાં આવે છે. ભાજપની સરકાર મંત્રીમંળડ બદલે છે પણ ગુજરાતનો ખેડૂત તમારી સરકાર બદલી દેશે. આ લડત માત્ર સૌરાષ્‍ટ્ર પુરતી નહીં રહે, આ લડત સમગ્ર ગુજરાતમાં ફેલાઇ જશે. ગાંધીનગરની ગાદી હલાવવા માટે હવે ખેડૂતો મેદાને ઉતરી ગયા છે.

જામજોધપુરના ધારાસભ્‍ય હેમંત ખવાએ જણાવ્‍યું કે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પોલીસે બોટાદમાં ખેડૂતો પર લાઠીઓ વરસાવી અને ખેડૂતોને જેલમાં નાંખી દીધા, પરંતું તમે અમારી સાથે છો એટલે આપણે આ આંદોલન ચાલુ રાખીશું. આપણે અંગ્રેજોની જેમ આ ભાજપની સરકારને પણ ઉખેડીને ફેંકી દઇશું. આ અંગ્રેજોના વારસદારોને હું જાહેરમંચ પરથી કહુ છું કે અમે તમારી સામે નહીં જુકીએ. તલવારની તાકાત કરતાં એકતાની તાકાત મોટી હોય છે. 

(11:40 AM IST)