<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

પીએમ મોદીની છત્તીસગઢ મુલાકાત: 'દિલ કી બાત'માં હૃદય રોગના વિજેતા બાળકો સાથે વાતચીત અને બ્રહ્મા કુમારીઓ દ્વારા સ્થાપિત 'શાંતિ શિખર'નું ઉદ્ઘાટન!

તેમણે આ આધ્યાત્મિક ચળવળને વડના ઝાડની જેમ વિસ્તરતી જોઈ છે: વડાપ્રધાને 'આઝાદી કા અમૃત મહોત્સવ' હોય કે 'સ્વચ્છ ભારત' અભિયાન, સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી

નવા રાયપુર, છત્તીસગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે છત્તીસગઢની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે એક તરફ નિર્દોષ બાળકો સાથે લાગણીસભર મુલાકાત કરી તો બીજી તરફ આધ્યાત્મિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.

હૃદય રોગના વિજેતા બાળકો સાથે 'દિલ કી બાત': પ્રધાનમંત્રીએ નવા રાયપુરના અટલ નગરમાં આવેલી શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલમાં આયોજિત 'દિલ કી બાત' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં, વડાપ્રધાન મોદીએ હૃદય રોગમાંથી સફળતાપૂર્વક સાજા થયેલા બાળકોને મળીને તેમના અનુભવો જાણ્યા હતા અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. અત્યાર સુધીમાં, આ હોસ્પિટલમાં ૨,૫૦૦ બાળકોની સફળતાપૂર્વક સારવાર થઈ ચૂકી છે.

બાળકોએ વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન અનેરો ઉત્સાહ દર્શાવ્યો, અને પ્રધાનમંત્રીએ પણ તેમની સાથે હળીમળીને ખાસ સ્નેહ વરસાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે ભગવાન શ્રી સત્ય સાઈ બાબાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

બ્રહ્મા કુમારીઓના 'શાંતિ શિખર'નું ઉદ્ઘાટન: આ ભાવનાત્મક કાર્યક્રમ બાદ, વડાપ્રધાન મોદીએ નવા રાયપુરમાં બ્રહ્મા કુમારીઓ દ્વારા સ્થાપિત "શાંતિ શિખર"નું ઉદ્ઘાટન કર્યું. આ એક આધુનિક આધ્યાત્મિક શિક્ષણ, શાંતિ અને ધ્યાન કેન્દ્ર છે.

ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે "આજનો દિવસ ખૂબ જ ખાસ છે." તેમણે નોંધ્યું કે છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યો આજે તેમના સ્થાપનાના ૨૫ વર્ષ પૂરા કરી રહ્યા છે. તેમણે તમામ રાજ્યોના રહેવાસીઓને સ્થાપના દિવસની હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા.

વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, "રાજ્યના વિકાસ દ્વારા રાષ્ટ્રનો વિકાસ" ના મંત્રને અનુસરીને, ભારત વિકાસના અભિયાનમાં રોકાયેલું છે. તેમણે કહ્યું કે બ્રહ્મા કુમારીઓ જેવી સંસ્થાઓ 'વિકસિત ભારત' તરફની આ મહત્વપૂર્ણ યાત્રામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે સંસ્થા સાથેના પોતાના દાયકાઓ જૂના જોડાણને યાદ કરીને કહ્યું કે તેમણે આ આધ્યાત્મિક ચળવળને વડના ઝાડની જેમ વિસ્તરતી જોઈ છે.

વડાપ્રધાને 'આઝાદી કા અમૃત મહોત્સવ' હોય કે 'સ્વચ્છ ભારત' અભિયાન, સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી.

 

(6:54 PM IST)