<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડમાં નવ લોકોના મોત બાદ પોલીસ એક્શનમાં : મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

પોલીસ અધિક્ષક કે.વી. મહેશ્વર રેડ્ડીએ કહ્યું શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર એક ખાનગી મંદિર છે અને યોગ્ય મંજૂરી વિના તેનું સંચાલન કરાયું હતું સંચાલકોએ સલામતીના નિયમોનું પાલન કર્યું ન હતું

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે એક દુ:ખદ ઘટના બની. શનિવારે દેવુત્થાન એકાદશી નિમિત્તે ભક્તોની ભીડને કારણે ભાગદોડ મચી ગઈ. કાશીબુગ્ગાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડમાં નવ લોકોના મોત થયાના એક દિવસ બાદ, પોલીસે રવિવારે મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. શનિવારે મંદિરમાં થયેલા અકસ્માતમાં આઠ મહિલાઓ અને એક બાળકના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. હાડકાં તૂટવા અને શ્વાસ લેવામાં તકલીફને કારણે ઘણા ભક્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંદિરનો એકમાત્ર દરવાજો બંધ હતો, અને જે ભક્તોને પહેલા દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો તેઓ ગ્રીલ તોડીને સીડી નીચે રાહ જોઈ રહેલા લોકો પર પડી ગયા, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો. શ્રીકાકુલમ જિલ્લા પોલીસ અધિક્ષક કે. વી. મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અમે ભક્તોને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે." તેમણે કહ્યું કે નવ મૃતદેહો પોસ્ટમોર્ટમ પછી તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ બે લોકોની હાલત હવે સ્થિર છે, અને અન્યને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

પોલીસ અધિક્ષક કે.વી. મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે મંદિરના આયોજકોએ કાર્યક્રમ પહેલા ફરજિયાત પરવાનગી લીધી ન હતી કે પોલીસ સુરક્ષા માટે અરજી કરી ન હતી. તેમણે કહ્યું, "મંદિરો અથવા ધાર્મિક સંસ્થાઓમાં ભીડ વ્યવસ્થાપન માટે અગાઉથી પોલીસને જાણ કરવી ફરજિયાત છે, પછી ભલે ભક્તોની સંખ્યા ગમે તેટલી હોય." રેડ્ડીના જણાવ્યા મુજબ, શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર એક ખાનગી મંદિર છે અને યોગ્ય મંજૂરી વિના તેનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે સંચાલકોએ સલામતીના નિયમોનું પાલન કર્યું ન હતું, જેના કારણે અકસ્માત થયો. દરમિયાન, પોલીસે આ મામલે બીએનએસની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

 

(6:19 PM IST)