News of Sunday, 2nd November 2025
પુણેમાં દીપડાએ હાહાકાર મચાવ્યો: ૧૩ વર્ષના બાળકનું મોત: ગામલોકોએ વન વિભાગના વાહનને આગ ચાંપી દીધી
પુણે જિલ્લાના શિરુર તાલુકામાં દીપડાના હુમલામાં ૧૩ વર્ષના છોકરાના મોતથી રોષ ફેલાયો :ગ્રામજનોએ વન વિભાગની બેદરકારીનો વિરોધ કર્યો અને રસ્તાઓ બ્લોક કરી દીધા

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના શિરુર તાલુકામાં રવિવારે મોડી સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં ૧૩ વર્ષના છોકરાએ દીપડાના હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના પિમ્પરખેડ ગામ નજીક બની અને સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો. અહેવાલો અનુસાર, છોકરો ગામની નજીક રમી રહ્યો હતો ત્યારે ઝાડીઓમાં છુપાયેલા એક દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો. તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
ગ્રામજનો પહોંચ્યા ત્યાં સુધીમાં દીપડો જંગલમાં ભાગી ગયો હતો. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ વન વિભાગની ઓફિસો અને વાહનોને આગ ચાંપી દીધી, રસ્તાઓ બ્લોક કરી દીધા અને વિરોધ શરૂ કર્યો. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, અને વાતાવરણ તંગ છે.
બાળકના મૃત્યુ બાદ, ગ્રામજનોએ વન વિભાગની કથિત બેદરકારી સામે જોરદાર વિરોધ શરૂ કર્યો. ગ્રામજનોનું કહેવું છે કે આ વિસ્તારમાં ઘણા દિવસોથી દીપડાની ગતિવિધિ જોવા મળી રહી હતી, પરંતુ વિભાગે કોઈ અસરકારક કાર્યવાહી કરી ન હતી. આ બેદરકારીથી ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ વન વિભાગની ઓફિસ અને તેના વાહનોને આગ ચાંપી દીધી, અને વેલ્હે, જેજુરી અને અષ્ટવિનાયક હાઇવે બ્લોક કરી દીધા.
ગામલોકોએ મૃતક છોકરાના મૃતદેહને તેમના ઘરની બહાર રાખીને વિરોધ ચાલુ રાખ્યો. તેમણે માંગ કરી હતી કે વનમંત્રી કે જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળે આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવામાં આવે. આ વિરોધને કારણે હાઇવે પર ઘણા કલાકો સુધી ટ્રાફિક ઠપ્પ રહ્યો અને લાંબો ટ્રાફિક જામ થયો. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો, જોકે વાતાવરણ તંગ છે.
ગામલોકોનો આરોપ છે કે વન વિભાગને દીપડાની હાજરીની અગાઉથી જાણ હતી, છતાં ન તો દેખરેખ વધારી કે ન તો પાંજરું ગોઠવ્યું. તેમનું કહેવું છે કે જો સમયસર પગલાં લેવામાં આવ્યા હોત, તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. હાલમાં, પોલીસ અને વન વિભાગની ટીમો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, અને દીપડાની શોધ ચાલુ છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
