<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

વીમાના પૈસા ન આપ્‍યા તો ખેડૂત મરેલી ભેંસ લઈને બેન્‍કમાં પહોંચ્‍યો

અગાઉ બે ભેંસ મરી ગઈ હોવા છતાં ઇન્‍શ્‍યોરન્‍સનો એક પણ રૂપિયો ન મળ્‍યો હોવાનો આરોપ મૂકીને ખેડૂતે કર્યું અનોખું વિરોધ-પ્રદર્શન

 

 

પાલઘર તા.૩: મહારાષ્ટ્રના પાલઘર જિલ્‍લામાં ખેડૂત એક નેશનલાઝ્‍ડ બેન્‍કમાં મૃત્‍યુ પામેલી ભેંસ લઈને પહોંચ્‍યો હતો અને તાત્‍કાલિક વીમાના વળતરની માગણી કરી હતી. તેના આ અનોખા વિરોધ-પ્રદર્શનમાં સ્‍થાનિક ખેડૂતનેતાઓ અને રાજકીય પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

પોલીસે ગઈ કાલે જણાવ્‍યું હતું કે શનિવારે એક ખેડૂત ટ્રેક્‍ટરમાં તેની મરેલી ભેંસ લઈને બેન્‍કમાં પહોંચ્‍યો હતો અને ભેંસ સાથેના ટ્રેક્‍ટરને બેન્‍કની બહાર મૂકી દીધું હતું. તેની એવી માગણી હતી કે તેને ભેંસના ઇન્‍શ્‍યોરન્‍સની રકમ વહેલી તકે આપવામાં આવે. એક બેન્‍ક-અધિકારીએ તેને ખાતરી અપાવી હતી કે તેને વળતરની રકમ એક મહિનામાં મળી જશે. બેન્‍ક પાસેથી લેખિતમાં ખાતરી મેળવ્‍યા પછી ખેડૂત શાંત થયો હતો અને તેની ભેંસ લઈને પાછો ગયો હતો.

પાલઘરના મોખાડા તાલુકામાં આવેલા ટાકપાડા ગામમાં રહેતા એક ખેડૂત-પશુપાલક નવસુ દિઘાએ ૨૦૨૨માં ૧૨ લાખ રૂપિયાની લોન લઈને ૧૦ ભેંસ ખરીદી હતી. પશુપાલકે એવો દાવો કર્યો હતો કે છેલ્‍લાં ત્રણ વર્ષમાં તેની બે ભેંસ મરી ગઈ હતી અને પશુઓનો વીમો લેવા છતાં તેને કોઈ વળતર ચૂકવવામાં આવ્‍યું નહોતું. આ જ કારણે આ વખતે તેણે ભેંસના મૃતદેહને બેન્‍કની શાખામાં લઈ જવાનું નક્કી કર્યું હતું એટલે શનિવારે તે એક ટ્રેક્‍ટરમાં મરેલી ભેંસ લઈને બેન્‍કની શાખાએ પહોંચ્‍યો હતો અને વાહન ત્‍યાં જ રહેવા દીધું હતું.(૩૮.૯)

(10:01 AM IST)