News of Monday, 3rd November 2025
પ્રીમિયમ ટ્રેનોની ઓનલાઇન ટિકિટ-બુકિંગમાં IRCTCએ ‘નો ફૂડ'નો વિકલ્પ હટાવી દીધો?
અગાઉ ઓનલાઇન બુકિગ પર ‘નો ફૂડ'નો વિકલ્પ ઉપલબ્ધ હતો, જેને કારણે મુસાફરો કેટરિગ અને નોન-કમર્શિયલ ભોજન વચ્ચે પસંદગી કરી શકતા હતા

નવી દિલ્હી,તા.૦૩: ઇન્ડિયન રેલવે કેટરિગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં ઓનલાઇન ટિકિટ-બુકિંગમાંથી ‘નો ફૂડ' વિકલ્પ ગુપ્ત રીતે દૂર કરી દીધો છે. ઓનલાઇન ટિકિટ-બુકિંગ માટે ભોજન ફરજિયાત બનાવવાથી મુસાફરોને ૩૦૦થી ૪૦૦ રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. અગાઉ ઓનલાઇન બુકિગ પર ‘નો ફૂડ'નો વિકલ્પ ઉપલબ્ધ હતો, જેને કારણે મુસાફરો કેટરિગ અને નોન-કમર્શિયલ ભોજન વચ્ચે પસંદગી કરી શકતા હતા.
હવે ટૂંકા અંતરની મુસાફરી માટે પણ ફૂડ જરૂરી છે. ઓનલાઇન બુકિગ દરમ્યાન મુસાફરોને હવે વેજિટેરિયન, નોન-વેજિટેરિયન, વેજ ડાયાબિટીઝ, નોન-વેજ ડાયાબિટીઝ અને જૈન ફૂડ જેવા વિકલ્પો ઓફર કરવામાં આવે છે.
રાજધાની, શતાબ્દી, દુરોન્તો એક્સપ્રેસ અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનો માટે ઓનલાઇન ટિકિટ બુક કરતી વખતે ‘નો ફૂડ'નો વિકલ્પ પસંદ ન કરી શકતા નારાજ મુસાફરોની ફરિયાદો બાદ IRCTCએ પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. આ મુદ્દે IRCTCના કન્સલ્ટન્ટ પબ્લિક રિલેશન્સ પ્રશાંતકુમાર પટનાયકે જણાવ્યું હતું કે ‘ઓનલાઇન ટિકિટ-બુકિંગમાંથી ‘નો ફૂડ'નો વિકલ્પ દૂર કરવામાં આવ્યો નથી. મુસાફરો જ્યાં તેમનો મોબાઇલ-નંબર દાખલ કરે છે ત્યાં નીચે ‘નો ફૂડ' વિકલ્પ પસંદ કરી શકે છે અને અપગ્રેડ વિકલ્પ પસંદ કરી શકે છે. ‘નો ફૂડ' વિકલ્પ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો નથી, પરંતુ એમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓપ્ટ-આઉટ વિકલ્પ હજી પણ એ જ પેજ પર ઉપલબ્ધ છે જેને ધ્યાનથી જોવાની જરૂર છે.'
જોકે મુસાફરોમાં મૂંઝવણ અને અસંતોષ યથાવત્ છે, કારણ કે મોટા ભાગના લોકો આ વિકલ્પ જોઈ શકતા નથી. નિષ્ણાતો કહે છે કે રેલવેએ એના પોર્ટલ અને એપમાં પારદર્શિતા લાવવી જોઈએ જેથી મુસાફરોને કોઈ પણ સર્વિસ ન લેવી હોય તો પણ ખરીદવાની ફરજ ન પડે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
