News of Monday, 3rd November 2025
ન્યુયોર્કમાં એક દિવસમાં રેકોર્ડબ્રેક વરસાદઃ અનેક વિસ્તારો ડૂબ્યાઃ બે ના મોત
અમેરિકામાં ૧૨૦૦થી વધુ ફલાઇટ્સ રદ કરવામાં આવી હતી

ન્યુ યોર્ક,તા.૦૩: અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં મુશળધાર વરસાદ પડવાથી રસ્તાઓ અને સબવે સ્ટેશનો ડૂબી ગયાં હતાં અને બેઝમેન્ટમાં ડૂબી જવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેન્ટ્રલ પાર્કમાં એક દિવસમાં ૧.૮૩ ઇંચ વરસાદ પડ્યો હતો જેણે ૧૯૧૭માં એક દિવસના ૧.૬૪ ઇંચ વરસાદનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. લાગાર્ડિયા ઍરપોર્ટ પર ૨.૦૯ ઇંચ વરસાદ પડ્યો હતો, જેણે ૧૯૫૫ના ૧.૧૮ ઇંચના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો. નેવાર્ક ઍરપોર્ટ પર ૨.૦૪ ઇંચ વરસાદ પડ્યો હતો, જેણે ૧૯૫૫ના ૧.૫૭ ઇંચના રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો. લોન્ગ આઇલેન્ડ પરના ઇસ્લિપમાં ૨.૬૦ ઇંચ અને કનેક્ટિકટના બ્રિજપોર્ટમાં ૨.૪૪ ઇંચ વરસાદનો રેકોર્ડ નોંધાયો હતો. બ્રુકલિન અને ક્વીન્સમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
બ્રુકલિનમાં એક બેઝમેન્ટમાં ૩૯ વર્ષની વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવી હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં મૃત જાહેર કરવામાં આવી હતી. નોર્થ મેનહટનના વોશિગ્ટન હાઇટ્સમાં ૪૩ વર્ષની એક વ્યક્તિ જળમગ્ન બોઇલર-રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. બીજી તરફ ફિલાડેલ્ફિયામાં ગુરુવારે એક મહિલાની કાર પર ઝાડ પડતાં તેનું મૃત્યુ થયું હતું.
ગુરુવારના વરસાદી વાતાવરણ વચ્ચે અમેરિકામાં ૧૨૦૦થી વધુ ફલાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ન્યુ યોર્ક શહેરનાં ત્રણ એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત થયાં હતાં.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
