News of Monday, 3rd November 2025
અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપઃ ૭ લોકોના મોત : ૧૫૦ થી વધુ ઘાયલ
જોરદાર ભૂકંપને કારણે સંખ્યાબંધ ઈમારતો ધરાશાયી થઇ ગઈ : રેસ્કયુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે

કાબુલ, તા.૩: આજે સોમવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફ શહેર અને આસપાસના વિસ્તારની ધરતી ૬.૩ ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી હતી. જોરદાર ભૂકંપને કારણે સંખ્યાબંધ ઈમારતો ધરાશાયી થઇ ગઈ છે. અહેવાલ મુજબ સાત લોકોના મોત થયા છે, ૧૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ રેસ્કયુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, મળત્યુઆંક વધે એવી શકયતા છે.
મજાર-એ-શરીફ અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેરોમાંનું એક છે, જેની વસ્તી લગભગ ૫,૨૩,૦૦૦ છે. પ્રારંભિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૨ હતી,પરંતુ બાદમાં યુએસ જીયોલોજીકલ સર્વે(USGS)એ જણાવ્યું હતું કે તેની તીવ્રતા ૬.૩ હતી. USGS મુજબ, ભૂકંપ મઝાર-એ-શરીફ નજીક ૨૮ કિમીની ઊંડાઈએ આવ્યો હતો.
USGS એ તેના PAGER સિસ્ટમમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેનો મતલબ છે કે નોંધપાત્ર જાનહાનિ થવાની સંભાવના છે.
સોશિયલ મીડિયા પર અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ સમયના વિડીયો શેર કરવામાં આવ્યા છે, જેમાં ભૂકંપની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.
સોશિયલ મીડિયા પરના એક વીડિયોમાં કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યાનું દેખાઈ રહ્યું છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા મુજબ જાનહાનિ અને નુકસાન અંગેની વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
ઓગસ્ટ મહિનામાં અફઘાનીસ્તાનમાં આવેલા ભૂકંપે ભારે જાનહાની સર્જી હતી, ૨૨૦૦ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.
ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો અફઘાનિસ્તાન પાસે છે ત્યાં અનેક ફોલ્ટ લાઇનો છે,જેને કારણે અવારનવાર ભૂકંપ આવે છે.(૨૩.૩)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
