News of Monday, 3rd November 2025
સૌરાષ્ટ્રના મોરબીના યુવકને યુક્રેનથી પરત લાવો: દિલ્હી હાઈકોર્ટની કેન્દ્ર સરકારને સખત તાકીદ, કહ્યું- 'યુવક ક્યાં છે ? માતા સાથે વાત કરાવો'

ગુજરાત - સૌરાષ્ટ્રના મોરબી શહેરનો વતની સાહિલ નામનો યુવક, જે કથિત રીતે છેતરપિંડીનો ભોગ બની રશિયન સેના વતી યુક્રેનમાં ફસાયો છે, તેને પરત લાવવા માટે તેના પરિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે કોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા પૂછ્યું કે, 'આજની તારીખે એ યુવક ક્યાં છે?' અને તાત્કાલિક સાહિલનો તેની માતા સાથે સંપર્ક કરાવવાનો આદેશ આપ્યો છે.
નોકરીની લાલચમાં રશિયા ગયેલો અને બાદમાં કથિત રીતે બળજબરીથી રશિયન સેનામાં ભરતી થઈ યુક્રેનના યુદ્ધક્ષેત્રમાં ફસાયેલા મોરબીના યુવક સાહિલના મામલે દિલ્હી હાઈકોર્ટે સખત વલણ અપનાવ્યું છે. સાહિલની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી અને યુવકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સાહિલના પરિવારે તેને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા (સ્વદેશ વાપસી) માટે દિલ્હી હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ (બંધારણીય રિટ) અરજી દાખલ કરી હતી. અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે સાહિલને છેતરપિંડીથી રશિયા લઈ જવાયો અને ત્યાં તેને બળજબરીપૂર્વક સેનામાં જોડાવા અને યુક્રેન સામે યુદ્ધ લડવા મજબૂર કરવામાં આવ્યો છે.
આ ગંભીર મામલાની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના વકીલને વેધક સવાલ કર્યો કે, "આજની તારીખે એ યુવાન (સાહિલ) ક્યાં છે?" જોકે, કેન્દ્ર સરકાર તરફથી હાજર વકીલ યુવકના ચોક્કસ ઠેકાણા વિશે કોર્ટને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. તેમણે જણાવ્યું કે યુવક યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં હોવાથી સંપર્ક મુશ્કેલ છે અને પ્રયાસો ચાલુ છે.
સરકારના આ જવાબ પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે વિદેશ મંત્રાલય તાત્કાલિક ધોરણે સાહિલનો તેની માતા સાથે વીડિયો કોલ અથવા ફોન કોલ દ્વારા સંપર્ક કરાવવાની વ્યવસ્થા કરે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે એક ભારતીય નાગરિક યુદ્ધભૂમિમાં ફસાયેલો છે અને તેનો જીવ જોખમમાં છે, ત્યારે સરકાર માત્ર 'પ્રયાસ કરી રહ્યા છીએ' એવો જવાબ આપી શકે નહીં.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ સમગ્ર મામલે અત્યાર સુધી લેવાયેલા પગલાં અને સાહિલની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર અહેવાલ (સ્ટેટસ રિપોર્ટ) દાખલ કરવાનો પણ હુકમ કર્યો છે. આ કેસ પર હવે સૌની નજર ટકેલી છે, કારણ કે આ મામલો રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા અન્ય ભારતીય યુવકોના ભાવિ સાથે પણ જોડાયેલો છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
