News of Monday, 3rd November 2025
ચૂંટણી પહેલા 108.19 કરોડથી વધુ કિંમતની ગેરકાયદેસર પ્રલોભન સામગ્રી જપ્ત કરાઈ
₹9.62 કરોડ રોકડા, ₹42.14 કરોડનો દારૂ (9.6 લાખ લિટર), ₹24.61 કરોડનો ડ્રગ્સ, ₹5.8 કરોડની કિંમતી ધાતુઓ અને ₹26 કરોડથી વધુની અન્ય વસ્તુ જપ્ત

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ સાથે વિવિધ રાજ્યોમાં 8 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ પણ યોજાઈ રહી છે. આદર્શ આચારસંહિતા (MCC) અમલમાં છે. ચૂંટણી પંચ નિષ્પક્ષ, સ્વચ્છ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. ચૂંટણીઓને પ્રભાવિત કરી શકે તેવી દરેક પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ દરમિયાન ચૂંટણી પહેલા 108.19 કરોડથી વધુ કિંમતની ગેરકાયદેસર પ્રલોભન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર 3 નવેમ્બર 2025 સુધીમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બહુ-અમલીકરણ એજન્સી અભિગમ દ્વારા 108.19 કરોડથી વધુ કિંમતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 6 ઓક્ટોબર (ચૂંટણીની જાહેરાત થઈ તે દિવસ) અને 3 નવેમ્બર વચ્ચે ₹108.19 કરોડની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, આમાં ₹9.62 કરોડ રોકડા, ₹42.14 કરોડનો દારૂ (9.6 લાખ લિટર), ₹24.61 કરોડનો ડ્રગ્સ, ₹5.8 કરોડની કિંમતી ધાતુઓ અને ₹26 કરોડથી વધુની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે ચૂંટણીલક્ષી રાજ્યોની સરકારોને આદર્શ આચારસંહિતા (MCC)નું કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. આચારસંહિતા લાગુ થતાં તકેદારી વધારી દેવામાં આવી છે. સઘન ચેકિંગ કામગીરી ચાલી રહી છે. મતદારોને પ્રેરિત કરવા માટે રોકડ, દારૂ, માદક દ્રવ્યો, કિંમતી વસ્તુઓ અને અન્ય ભેટોનું વિતરણ સખત પ્રતિબંધિત છે તેની ખાતરી કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મોટાપાયે જપ્તી આનું પરિણામ છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી રાજ્યની 243 બેઠકો માટે બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે. પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે. જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, ઝારખંડ, મિઝોરમ, પંજાબ, તેલંગાણા અને રાજસ્થાનમાં આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી માટે મતદાન 11 નવેમ્બરે યોજાશે અને પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
