<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

અસામાન્ય શિયાળો રેકોર્ડ તોડવા ધસમસતો આવી રહ્યો છે: લાંબો ચાલશે: 'લા નીના'ની આકરી અસર, ગુજરાત-મહારાષ્ટ્ર સુધી ધ્રુજારી અનુભવાશે; વિશ્વ હવામાન સંઘની ચેતવણી:ચિલ્લાઈ કલાન'નો સમયગાળો બનશે અતિશય આકરો: કાશ્મીરમાં શિયાળાનો સૌથી કઠોર ૪૦ દિવસનો 'ચિલ્લાઈ કલાન', તરીકે ઓળખાતો સમયગાળો, જે ૨૧ ડિસેમ્બરથી શરૂ થાય છે, તેમાં આ વખતે 'લા નીના'ની ચરમસીમા સાથે અત્યંત કાતિલ ઠંડી પડવાની આશંકા

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના મોજાંની આગાહી: જેની લહેર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચવા સંભાવના: કેટલાક અહેવાલો મુજબ, આ શિયાળો છેલ્લા ૧૧૦ વર્ષનો ત્રીજો સૌથી ઠંડો શિયાળો સાબિત થઈ શકે છે:હિમાલયના પહાડી વિસ્તારોમાં વધુ ભારે હિમવર્ષા થવાની સંભાવના: હિમાલયનો ૮૬% હિસ્સો બરફથી ઢંકાઈ શકે છે: તાપમાન સામાન્ય કરતાં ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે

વિશ્વ હવામાન સંગઠન (ડબલ્યુ એમ ઓ) અને ભારતીય હવામાન વિભાગ (આઈ એમ ડી) દ્વારા ૨૦૨૫-૨૬ ના શિયાળાને લઈને ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. સપ્ટેમ્બર ૨૦૨૫ થી સક્રિય થયેલી 'લા નીના' ઘટનાને કારણે આ વર્ષે ભારતમાં શિયાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર અને લાંબો ચાલી શકે છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના મોજાંની આગાહી છે, જેની લહેર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પણ પહોંચવાની સંભાવના છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ, આ શિયાળો છેલ્લા ૧૧૦ વર્ષનો ત્રીજો સૌથી ઠંડો શિયાળો સાબિત થઈ શકે છે.

 

વિસ્તૃત વિગતો જોઈએ તો ભારતમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં ૧૦૮% વધુ વરસાદ નોંધાયા બાદ વૈજ્ઞાનિકોએ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. વિશ્વ હવામાન સંગઠન (ડબલ્યુ એમ ઓ) અને અમેરિકાના ક્લાઈમેટ પ્રિડિક્શન સેન્ટર સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પુષ્ટિ કરી છે કે ૨૦૨૫ ના અંત સુધીમાં 'લા નીના' ની અસર સંપૂર્ણપણે સક્રિય થઈ જશે, જે ભારતમાં અસામાન્ય અને તીવ્ર શિયાળો લાવી શકે છે.

 

હવામાન નિષ્ણાતોના મતે, 'લા નીના' એ એક કુદરતી આબોહવાની ઘટના છે જેમાં મધ્ય અને પૂર્વીય પેસિફિક મહાસાગરનું પાણી અસામાન્ય રીતે ઠંડુ થઈ જાય છે. આ ફેરફારની સીધી અસર વૈશ્વિક હવામાન પર પડે છે, ખાસ કરીને એશિયન દેશોમાં તે વધુ વરસાદ અને ઠંડી લાવે છે.

 

ભારતીય હવામાન વિભાગ (આઈ એમ ડી) અને સ્કાયમેટ વેધરના અહેવાલો અનુસાર, 'લા નીના'ની અસર ભારતમાં શિયાળાને વધુ ગંભીર બનાવશે.

 

 *તીવ્ર ઠંડીના મોજાં*: ઉત્તર ભારતના રાજ્યો જેમ કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ઠંડીના મોજાં (કોલ્ડ વેવ) સામાન્ય કરતાં વધુ લાંબા અને તીવ્ર હોઈ શકે છે.

 

 *'ચિલ્લાઈ કલાન' બનશે ઘાતક:* કાશ્મીરમાં શિયાળાનો સૌથી કઠોર ૪૦ દિવસનો સમયગાળો, 'ચિલ્લાઈ કલાન', જે ૨૧ ડિસેમ્બરથી શરૂ થાય છે, તે આ વખતે 'લા નીના'ની ચરમસીમા સાથે સુસંગત થશે. આના કારણે આ સમયગાળામાં અત્યંત ભયાનક ઠંડી પડવાની આશંકા છે.

 

 *ગુજરાત-મહારાષ્ટ્ર સુધી લહેર:* હવામાનશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે ઉત્તર ભારતમાં પડતી આ કાતિલ ઠંડીની "લહેર" (રીપલ ઇફેક્ટ) દક્ષિણ દિશામાં આગળ વધીને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભાગોને પણ અસર કરી શકે છે, જેનાથી આ પ્રદેશોમાં પણ સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ થશે.

 

 *ભારે હિમવર્ષા:* હિમાલયના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. કેટલાક ડિજિટલ મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હિમાલયનો ૮૬% હિસ્સો બરફથી ઢંકાઈ શકે છે અને તાપમાન સામાન્ય કરતાં ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે.

 

*વૈશ્વિક આગાહીઓ અને આંકડા:*

અમેરિકી સંસ્થા "એનઓએએ" એ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન 'લા નીના' સક્રિય રહેવાની સંભાવના ૭૧% દર્શાવી છે. નિષ્ણાતોના મતે, આ 'લા નીના' ભલે તીવ્રતામાં "નબળી" હોય, પરંતુ તેની અસર ગંભીર હોઈ શકે છે. 

 

આ ઘટનાને કારણે ઉત્તરી અમેરિકા અને કેનેડામાં પણ ભારે હિમવર્ષા અને ઠંડી પડવાની આગાહી છે. આ આકરી ઠંડીની સીધી અસર ભારતમાં રવિ પાકો, ખાસ કરીને ઘઉં અને કઠોળ પર પડી શકે છે, તેમજ ધુમ્મસને કારણે પરિવહન વ્યવસ્થાને પણ માઠી અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

 

(10:08 PM IST)