<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગ મૃત્યુ કેસમાં મોટો ઘટસ્ફોટ: આસામના મુખ્યમંત્રીનો દાવો - 'આ અકસ્માત નહીં, હત્યા હતી'; આઠ ડિસેમ્બર સુધીમાં ચાર્જશીટ દાખલ કરાશે

એનઈઆઈએફના મુખ્ય આયોજક શ્યામકાનુ મહંત, ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા, ગાયકના બેન્ડના સભ્યો શેખર જ્યોતિ ગોસ્વામી અને અમૃત પ્રભા મહંત તથા કઝીન ભાઈ જે ડીએસપી છે તે અને સુરક્ષાકર્મીઓ પણ સકંજામાં: તેમના ખાતામાં કરોડોના વ્યવહાર મળી આવ્યા

નવી દિલ્હી/ગુવાહાટી: આસામના પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના સિંગાપોરમાં થયેલા રહસ્યમય મૃત્યુને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ "હત્યા" ગણાવી છે. તેમણે કહ્યું કે આ ઘટના અકસ્માત નહોતી. રાજ્યની એસઆઈટી આઠમી ડિસેમ્બર સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારીમાં છે. આ કેસમાં ગાયકના મેનેજર, ફેસ્ટિવલ આયોજક અને પિતરાઈ ભાઈ એવા ડીએસપી સહિત કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. સિંગાપોર પાસેથી ફાઈનલ પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજી રિપોર્ટ પણ મેળવી લેવાયો છે.

 

વિગતવાર જોઈએ તો આસામના લોકપ્રિય ગાયક અને રાજ્યના સાંસ્કૃતિક ચિહ્ન ઝુબીન ગર્ગના સિંગાપોરમાં થયેલા શંકાસ્પદ મૃત્યુના કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોમવારે એક ચોંકાવનારો દાવો કરતાં જણાવ્યું હતું કે, ઝુબીન ગર્ગનું મૃત્યુ "અકસ્માત નહીં, પરંતુ હત્યા" હતી. મુખ્યમંત્રીના આ નિવેદનથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

 

ગત ૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં દરિયામાં તરતી વખતે ઝુબીન ગર્ગનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું. તેઓ ત્યાં 'નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલ' (એનઈઆઈએફ)ની ચોથી આવૃત્તિમાં ભાગ લેવા ગયા હતા.

 

*મુખ્યમંત્રીએ કહ્યું - 'હવે હું તેને અકસ્માત નહીં કહું'* મુખ્યમંત્રી સરમાએ પત્રકારોને જણાવ્યું કે, "આજથી હું ઝુબીન ગર્ગના મૃત્યુને અકસ્માત નહીં કહું. આ એક હત્યા છે. આ હત્યા કેસમાં ચાર્જશીટ ૧૭ ડિસેમ્બર પહેલા રજૂ થવી જોઈએ, પરંતુ મેં તપાસ ટીમને આઠ ડિસેમ્બર સુધીમાં જ ચાર્જશીટ ફાઈલ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ."

 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી લેવાશે

આ ઘટના વિદેશી ધરતી (સિંગાપોર) પર બની હોવાથી, ચાર્જશીટ દાખલ કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)ની પૂર્વ મંજૂરી આવશ્યક છે. મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું કે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તેમણે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે એસઆઈટી આગામી ત્રણથી ચાર દિવસમાં ગૃહ મંત્રાલયને પત્ર લખશે અને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે.

 

*એસઆઈટી તપાસ અને સાતની ધરપકડ*: આ મામલે રાજ્યભરમાં ૬૦થી વધુ એફઆઈઆર નોંધાયા બાદ આસામ પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) હેઠળ એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તમામને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

 

ધરપકડ કરાયેલાઓમાં એનઈઆઈએફના મુખ્ય આયોજક શ્યામકાનુ મહંત, ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા, ગાયકના બેન્ડના સભ્યો શેખર જ્યોતિ ગોસ્વામી અને અમૃત પ્રભા મહંત સામેલ છે.

 

*પિતરાઈ ડીએસપી અને સુરક્ષાકર્મીઓ પણ સકંજામાં:* આ ઉપરાંત, આ કેસમાં ગાયકના પિતરાઈ ભાઈ અને આસામ પોલીસમાં ડીએસપી તરીકે કાર્યરત સંદીપન ગર્ગની પણ ધરપકડ કરવામાં આવી છે. ઝુબીન ગર્ગના બે અંગત સુરક્ષા અધિકારીઓ (પીએસઓ) નંદેશ્વર બોરા અને પ્રબિન બૈશ્યની પણ ધરપકડ કરાઈ છે. પોલીસને આ બંને સુરક્ષાકર્મીઓના ખાતામાં રૂપિયા ૧.૧ કરોડ (એક કરોડ દસ લાખ)થી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા, જેની અલગથી તપાસ ચાલી રહી છે.

 

*ઝેર આપ્યાનો ગંભીર આરોપ:* સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે બેન્ડના સભ્ય શેખર જ્યોતિ ગોસ્વામીએ કથિત રીતે આરોપ લગાવ્યો કે ગર્ગને મેનેજર સિદ્ધાર્થ શર્મા અને આયોજક શ્યામકાનુ મહંત દ્વારા "ઝેર" આપવામાં આવ્યું હતું અને બાદમાં તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો.

 

તપાસ એજન્સીઓને તાજેતરમાં સિંગાપોરના અધિકારીઓ પાસેથી 'પરસ્પર કાનૂની સહાયતા સંધિ' (એમએલએટી) હેઠળ ઝુબીન ગર્ગનો અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટોક્સિકોલોજી (વિષવિજ્ઞાન) રિપોર્ટ પણ પ્રાપ્ત થયો છે, જેનાથી કેસને મજબૂત આધાર મળ્યો છે.

 

તમામ સાત આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) હેઠળ હત્યા, ગુનાહિત ષડયંત્ર, બેદરકારીથી મૃત્યુ નીપજાવવું અને પુરાવાનો નાશ કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

(11:17 PM IST)