News of Tuesday, 4th November 2025
દુબઈમાં જાહેર સ્થળો, રસ્તાઓ પર થૂંકવા પર ૨૪૦૦૦નો દંડ ફટકારવામાં આવે છે
ભારતના કોઈપણ શહેરમાં ફરો, તમને રસ્તાની દિવાલો અને ફૂટપાથ પર લાલ-લાલ પાન-મસાલાની પીચકારીઓ જરૂરથી દેખાશે. પરંતુ દુબઈમાં આવું જરાય નથી, અહીંના ચોખ્ખા રસ્તા અને દીવાલો જોઈને તમને ચોક્કસથી આશ્ચર્ય થશે

દુબઈ તા.૪: ભારતના કોઈપણ શહેરમાં ફરો, તમને રસ્તાની દિવાલો અને ફૂટપાથ પર લાલ-લાલ પાન-મસાલાની પીચકારીઓ જરૂરથી દેખાશે. સરકારી ઓફિસની દિવાલ હોય કે પ્રાઈવેટ મકાનની, કોલેજના ગેટ હોય કે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ, દરેક જગ્યાએ તમને આ લાલ ડાઘા ચોક્કસથી જોવા મળશે. ભારતમાં લોકો રસ્તા પર ચાલતા-ચાલતા જ થૂંકી દે છે, પાનની પીચકારી મારીને આગળ વધી જાય છે. આ આદત એટલી સામાન્ય બની ગઈ છે કે કોઈને નવાઈ નથી લાગતી. પરંતુ જ્યારે તમે દુબઈ જાઓ, તો ત્યાંના ચોખ્ખા રસ્તા અને દીવાલો જોઈને આશ્ચર્ય થાય છે.
દુબઈમાં કોઈ પણ વ્યક્તિ થૂંકતા પહેલા ૧૦૦ વખત વિચાર કરે છે, કારણ કે થૂંકતા પહેલા દંડની રકમ સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય છે. જી હા દુબઈમાં રસ્તા પર થૂંકવા પર ભારે દંડ ફટકારવામાં આવે છે. દુબઈ સરકારે જાહેર સ્વચ્છતા અને પર્યાવરણની સુરક્ષાને લઈને કડક પગલા ભર્યા છે અને ઘણા ઉલ્લંઘનો પર દંડ પણ ફટકાર્યો છે.
દુબઈમાં જાહેર સ્થળો, રસ્તાઓ પર થૂંકવા પર હજાર દિરહામનો દંડ ફટકારવામાં આવે છે. હજાર દિરહામને ભારતીય રૂપિયામાં ફેરવીએ તો આ રકમ ૨૪ હજારની આસપાસ થાય છે. રસપ્રદ વાત એ છે કે માત્ર થૂંકવા પર જ નહીં, પણ જાહેર સ્થળોએ પાન કે મસાલા ખાવા પર પણ આ જ દંડ લાગુ પડે છે.
આ ઉપરાંત, જાહેર જગ્યાઓએ કચરો ફેંકવો, દરિયાકિનારાઓને ગંદા કરવા કે કોઈ મંજૂરી વગર પોસ્ટર લગાવવા જેવા ઉલ્લંઘનો પર પણ ભારે દંડની જોગવાઈ છે. દુબઈ સરકારનું કહેવું છે કે, આ કડક નિયમો માત્ર દંડ આપવા માટે બનાવવામાં આવ્યા નથી, પરંતુ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારી અને અનુશાસનની ભાવના જગાવવા માટે બનાવવામાં આવ્યા છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
