<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

જેમ એન્‍ડ જવેલરીઃ ૧૦૦ અબજ ડોલરની નિકાસ માટે કવાયત

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સમક્ષ જેમ એન્‍ડ જ્‍વેલરીની નિકાસ માટેનું વિઝન રજૂ કરાયું : દેશમાં ૪૨ લાખ લોકોને સીધી રોજગારી જેમ એન્‍ડ જવેલરી ઉધોગ મારફતે મળતી હોવાનો મત

મુંબઈ,તા.૦૫: સમગ્ર દેશના ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા માટે વડાપ્રધાન મોદીના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં જેજીઈપીસી દ્વારા આગામી દિવસોમાં સમગ્ર દેશમાંથી ૧૦૦ અબજ અમેરિકન ડોલર સુધીની નિકાસ જેમ એન્‍ડ જવેલરીમાંથી જ કરી શકાશે તે અંગેનું પ્રેઝન્‍ટેશન રજૂ કરવામાં આવ્‍યું હતું. આ માટે કેન્‍દ્ર સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી. જો તે માંગણી ઝડપથી સ્‍વીકારવામાં આવે તો જેમ એન્‍ડ જવેલરી ઉદ્યોગ વિકાસની હરણફાળ ભરે તેવો પણ મત રજૂ કરવામાં આવ્‍યો હતો.

દેશના વડાપ્રધાન મોદીના અધ્‍યક્ષસ્‍થાને દેશના નિકાસમાં મહત્ત્વના ફાળો આવતા ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જેજીઇપીસીના ચેરમેન કિરીટ ભણશાલી દ્વારા પ્રેઝન્‍ટેશન રજૂ કરવામાં આવ્‍યું હતું. સાથે સાથે તેઓએ જણાવ્‍યું હતું કે ભારતના નિકાસમાં સાત ટકા ફાળો જેમ એન્‍ડ જવેલરી સેક્‍ટરનો છે. આ ઉદ્યોગ દ્વારા ૪૨ લાખ લોકોને સીધી રોજગારી પૂરી પાડે છે. ભારત અને યુએઈ વચ્‍ચે થયેલા કરારને કારણે જેમ એન્‍ડ જવેલરીના નિકાસને વધુ વેગ મળ્‍યો છે. આ જ રીતે કેન્‍દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવામાં આવે તો આગામી દિવસોમાં જેમ એન્‍ડ જવેલરી ઉદ્યોગની નિકાસ ૧૦૦ અબજ અમેરિકન ડોલર પર પહોંચી જશે. તેમજ વર્ષ ૨૦૪૭માં ૫૦૦ બિલિયન અમેરિકન ડોલરનું સ્‍થાનિક જેમ એન્‍ડ જવેલરી બજાર બનાવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી. તેના કારણે ભારત જેમ એન્‍ડ જવેલરીમાં વૈશ્વિક હબ તરીકે પણ ઉભરી આવવાની શક્‍યતા નકારી શકાય તેમ નથી.

કેન્‍દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવાની નીતિ અંતર્ગત જેમ એન્‍ડ જવેલરીને તેનો સૌથી વધુ લાભ મળ્‍યો છે. કારણ કે, વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન પ્‍લેન ગોલ્‍ડ જવેલરીની નિકાસમાં ૪૭.૪ ટકાની વૃદ્ધિ થઈ છે. આ જ પ્રમાણે યુકે, ઓસ્‍ટ્રેલિયા અને ઈએફટી દેશો સાથે જે કરાર કરવામાં આવ્‍યા છે તેનો સીધો લાભ ભારતના વૈશ્વિક વેપારને વધુ મજબૂત કરશે. એકતરફ સુરત સહિત સમગ્ર દેશમાં જેમ એન્‍ડ જવેલરીના ઉદ્યોગમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તેમાં કેન્‍દ્ર સરકાર દ્વારા પણ અનેક પ્રોત્‍સાહન પેકેજની જાહેરાત કરવામાં આવે તો હાલમાં જે ઉદ્યોગે ગતિ પકડી છે તેના કરતા બમણી ગતિએ આ ક્ષેત્રનો વિકાસ થઈ શકે તેમ છે. બીજીતરફ સમગ્ર વિશ્વમાં પણ ભારતમાં થતી જેમ એન્‍ડ જવેલરીની સારી એવી માગ જોવા મળી રહી હોવાથી આ ઉદ્યોગ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે તેમજ તેનો સીધો ફાયદો ભારતીય બજારને મળવાની પણ શક્‍યતા નકારી શકાય તેમ નથી.

આ સુધારા કરવા માટે કરાયેલી માંગણી

* કસ્‍ટમ એક્‍ટ ૧૯૬૨માં સુધારો કરવામાં આવે તો કસ્‍ટમ પ્રક્રિયાઓ ઝડપી અને વધુ પારદર્શક રીતે કામ કરે તો ભારતના વેપાર કરવાની સરળતામાં અને વૈશ્વિક સ્‍પર્ધાત્‍મકતામાં પણ વધારો થઇ શકે તેમ છે.

* નિકાસ વધારવા માટે ઉદ્યોગકારોને સરળતાથી સસ્‍તું ધિરાણ આપવામાં આવે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવવી જોઇએ. જે રીતે એમએસએમએઇને લાભ મળે છે તેવો લાભઆપવામાં આવે તેવી વિચારણા કરવી જોઇએ.

* એસઇઝેડમાં ૬૫ ટકા સ્‍ટડ જવેલરી તૈયાર કરવામાં આવે છે. ત્‍યાં આવેલા એકમોને સ્‍થાનિક બજારમાં પણ જવેલરીના વેચાણ કરવાની છૂટ આપવામાં આવે તો ઉત્‍પાદકતા. કાર્યક્ષમતા અને રોજગારની સ્‍થિરતામાં સુધારો થઇ શકશે.

* જે રીતે ટેક્‍સ્‍ટાઇલ અને લેધર માટે પાર્ક બનાવવામાં આવી રહ્યા છે. તેજ રીતે રાષ્ટ્રીય જેમ એન્‍ડ જવેલરી પાર્ક નીતિ બનાવવામાં આવવી જોઇએ. તેના કારણે સ્‍થાનિક ઉત્‍પાદન ઇકો સિસ્‍ટમને વધુ મજબૂત કરી શકાશે.

(10:01 AM IST)