<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

સારવાર માટે મહિલાને હિજાબ કાઢવાનું કહેતા પરિવારે ડોક્‍ટર અને સ્‍ટાફ પર હુમલો કર્યો

મેડિકલ કોલેજ મેનેજમેન્‍ટની ફરિયાદના આધારે પરિવાર અને અન્‍ય આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી

વિદિશા,તા.૦૫: મધ્‍યપ્રદેશના વિદિશામાં આવેલી અટલ બિહારી વાજપેયી સરકારી મેડિકલ કોલેજમાં હિજાબને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. અહેવાલો અનુસાર, સુલતાના બી. નામની ૬૫ વર્ષીય મહિલા ઘરે પડી જવાથી ઘાયલ થઈ હતી અને તેને સારવાર માટે મેડિકલ કોલેજના ઇમરજન્‍સી વોર્ડમાં લાવવામાં આવી હતી. સારવાર દરમિયાન, ડોક્‍ટરે જખમી મહિલાને તેના ચહેરા અને માથાના ઇજાઓની તપાસ કરવા માટે હિજાબ કાઢવાનું કહ્યું. આ વાત સાંભળી મહિલાના પરિવારે વાંધો ઉઠાવ્‍યો અને સ્‍ટાફ સાથે મારપીટ કરી. હિજાબ કાઢવાનું કહેતા પરિસ્‍થિતિ ઝડપથી બોલાચાલીમાં પરિણમી અને પરિવારના સભ્‍યોએ ફરજ પર હાજર રહેલા ડોક્‍ટર અને નર્સિગ સ્‍ટાફ પર હુમલો કરવાનું શરૂ કર્યું.

આ ઘટનાને કારણે હોસ્‍પિટલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. પરિવારના સભ્‍યોએ ઇમરજન્‍સી વોર્ડમાં તોડફોડ કરી, દવાની ટ્રોલીઓ ઉથલાવી દીધી અને દરવાજા પણ તોડી નાખ્‍યા હતા. આ ઝઘડામાં એક ડોક્‍ટર અને ત્રણ નર્સિગ સ્‍ટાફ ઘાયલ થયા છે. એવી માહિતી મળી રહી છે કે પરિવારના સભ્‍યોએ સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્‍યું, હોસ્‍પિટલની કામગીરીમાં વિક્ષેપ પાડ્‍યો જેને કારણે ત્‍યના અન્‍ય દર્દીઓની સારવારમાં અવરોધ ઊભો થયો હતો. આ સમગ્ર ઘટના હોસ્‍પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હોસ્‍પિટલમાં આ ઘટના દરમિયાનના સીસીટીવી ફૂટેજને હવે પોલીસે કબજે કરી છે અને આ કેસની તપાસ પણ શરૂ કરી દીધી છે.

શહેરના પોલીસ અધિક્ષક અતુલ સિહે જણાવ્‍યું હતું કે મેડિકલ કોલેજ મેનેજમેન્‍ટની ફરિયાદના આધારે પરિવાર અને અન્‍ય આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. દરમિયાન, મુસ્‍લિમ મહિલાઓનો આરોપ છે કે ડોક્‍ટરોએ તેમની સાથે દુર્વ્‍યવહાર કર્યો હતો અને હોસ્‍પિટલની બહારથી દવા લાવવા અંગે આ વિવાદ શરૂ થયો હતો. ડોક્‍ટરોએ જણાવ્‍યું હતું કે દર્દીના ચહેરા પર ઈજા થઈ હતી અને સારવાર માટે તેઓએ તેને હિજાબ કાઢવા માટે કહ્યું હતું, જેના પર તે અને તેનો પરિવાર ગુસ્‍સે થયો હતો. પોલીસે તમામ પક્ષોના નિવેદનો નોંધ્‍યા છે અને તપાસ આગળ વધારી છે.

 

(10:03 AM IST)