News of Wednesday, 5th November 2025
BMW કરતા પણ મોંઘો છે આ પાડો! કિંમત દોઢ કરોડ રૂપિયા
સાંગલીમાં ચાલી રહેલા યશવંત કૃષિ પ્રદર્શનમાં આ વખતે હિન્દ કેસરી ગજેન્દ્ર નામનો પાડો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો : દોઢ ટન વજન ધરાવતો આ વિશાળ પાડો ન માત્ર આકારમાં પણ કિમતમાં પણ ભારે વજનદાર છે.રોજ તેને ૧૫ લીટર ભેંસનું દૂધ, ૩ કિલો સફરજન, ૩ કિલો લોટ, અને ચાર કિલો ચોખા આપવામાં આવે છે

સાંગલી તા.૫: સાંગલીમાં ચાલી રહેલા યશવંત કૃષિ પ્રદર્શનમાં આ વખતે હિન્દ કેસરી ગજેન્દ્ર નામનો પાડો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. દોઢ ટન વજન ધરાવતો આ વિશાળ પાડો ન માત્ર આકારમાં પણ કિમતમાં પણ ભારે વજનદાર છે. લોકો પણ આ પાડાની કિમત જાણીને નવાઈમાં પડી જાય છે. આ પાડાની કિમત દોઢ કરોડ રૂપિયા છે!
ગજેન્દ્ર નામનો પાડો મુર્રા જાતનો છે અને તેને આખા દેશમાં ઓળખ મળી ચૂકી છે. તેના માલિક જ્ઞાનેશ્વર વિલાસ નાયક જણાવે છે કે, જ્યારે આ પાડો માત્ર ચાર દિવસનો હતો, ત્યારે જ તેના માટે એક લાખ રૂપિયાની ઓફર થઈ હતી. કેટલાક વર્ષ પછી હરિયાણાના મોટા પશુપાલકોએ દોઢ કરોડ રૂપિયા સુધીની કિમત લગાવી હતી, પરંતુ નાયક પરિવારે તેને આપવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેઓએ કહ્યું કે, ગજેન્દ્રએ અમારી કિસ્મત ચમકાવી છે, અમે તેને નહીં વેચીએ.
આ પાડાની કહાની પણ ઘણી રસપ્રદ છે. જ્ઞાનેશ્વરના પિતા ગણપતિ નાયકે થોડા વર્ષ પહેલાં હરિયાણાથી મુર્રા જાતની એક ભેંસ દોઢ લાખ રૂપિયામાં ખરીદી હતી. તેણે જ આ પાડાને જન્મ આપ્યો અને ત્યાંથી જ તેની કિસ્મત પલટાઈ ગઈ. આજે તેની ગૌશાળામાં ૫૦ થી વધુ ભેંસો છે અને ગજેન્દ્ર દ્વારા જન્મેલા બાહુબલી પાડાનો પણ ત્યાં જ ઉછેર થયો છે.
ગજેન્દ્ર અત્યાર સુધી દેશભરના ૨૨ પ્રદર્શનોમાં ભાગ લઈ ચૂક્યો છે અને દરેક જગ્યાએ તેનો જલવો જોવા મળે છે. આ પ્રદર્શનથી માલિકને આશરે એક લાખ રૂપિયા ફી મળે છે.
જ્યાં સુધી તેના ખાવાની વાત છે, તો તેના માટે રાજા જેવી સુવિધા છે. રોજ તેને ૧૫ લીટર ભેંસનું દૂધ, ૩ કિલો સફરજન, ૩ કિલો લોટ, અને ચાર કિલો ચોખા આપવામાં આવે છે. આ સિવાય શેરડી, મકાઈ અને લીલું ઘાસ પણ તેના ડાયટમાં સામેલ છે. માલિક જણાવે છે કે, તેની પાછળ રોજ ૨ હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે છે.(૩૮.૯)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
