<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

દિલ્હી પોલીસે સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો: વેબ સિરીઝ જોઈને પોતાની ઓળખ છુપાવવા માટે ઉપનામોનો ઉપયોગ કર્યો

દિલ્હી પોલીસે અર્પિત, પ્રભાત અને અબ્બાસ નામના વ્યક્તિની ઓનલાઈન છેતરપિંડી કેસમાં ધરપકડ કરી ;આ ગેંગે દેશભરમાં લાખો રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનો આરોપ

નવી દિલ્હી : દિલ્હી પોલીસે સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ પ્રખ્યાત વેબ સિરીઝ મની હાઈસ્ટની જેમ જ ફ્રોડ કરતી હતી. આ ગેંગે દેશભરમાં લાખો રૂપિયાનું ફ્રોડ કર્યું હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર 22 લાખ રૂપિયાના ફ્રોડ કેસમાં પણ આ ગેંગનો હાથ હતો.

 

દિલ્હી પોલીસે અર્પિત, પ્રભાત અને અબ્બાસ નામના વ્યક્તિની ઓનલાઈન છેતરપિંડી કેસમાં ધરપકડ કરી છે. જેમાં આરોપીઓએ સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપીને ફ્રોડ કરતા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ વેબ સિરીઝ જોઈને પોતાની ઓળખ છુપાવવા માટે ઉપનામોનો ઉપયોગ કર્યો હતો.

આ ફ્રોડમાં સામેલ ગુનેગાર અર્પિત એક વકીલ છે પરંતુ તેણે છેતરપિંડી કરવા માટે “પ્રોફેસર” ઉપનામનો ઉપયોગ કર્યો હતો. કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવતા પ્રભાત બાજપાઈએ “અમાન્ડા” ઉપનામનો ઉપયોગ કર્યો હતો અને અબ્બાસે “ફ્રેડી” ઉપનામનો ઉપયોગ કર્યો હતો. તેઓએ સોશિયલ મીડિયા પર ઘણા ગ્રુપો બનાવ્યા હતા અને લોકોને શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી હતી.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આ લોકો પાસેથી કુલ 14 મોબાઈલ ફોન, 20 સિમ કાર્ડ, વિવિધ બેંકોના 32 ડેબિટ કાર્ડ અને અન્ય ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. 1 ઓક્ટોબરના રોજ ગોકલપુરીના રહેવાસીની ફરિયાદના આધારે, પોલીસે કેસ નોંધ્યો અને એક નિરીક્ષકની આગેવાની હેઠળ એક ટીમ બનાવી હતી. ગુપ્ત માહિતીના આધારે, ટીમે સેક્ટર 49 વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

(9:15 PM IST)