<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

૧૫ નવેમ્બરે ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ 'જનજાતીય ગૌરવ વર્ષ'ની ઉજવણી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે અંબાજીથી 'જનજાતીય ગૌરવ યાત્રા'નો શુભારંભ કરાવશે

૧૪ આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યભરમાં જનજાગૃતિનો સંદેશો : ૭ થી ૧૩ નવેમ્બર દરમિયાન અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર રૂટ પર પ્રસ્થાન : રથયાત્રામાં આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્ર કક્ષાની ઉજવણી

ગાંધીનગર : આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવાઈ રહ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં આ ગૌરવ વર્ષ ઉત્સવને ભવ્ય બનાવવા માટે આવતીકાલે શુક્રવાર, ૭ નવેમ્બરે આદ્યશક્તિધામ અંબાજીથી *"જનજાતીય ગૌરવ યાત્રા"*નો શુભારંભ કરાવવામાં આવશે.
બે રૂટ પર યાત્રાનું પ્રસ્થાન
આ ગૌરવ યાત્રા ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉમરગામથી એમ બે સ્થળોએથી ૭ થી ૧૩ નવેમ્બર સુધી યોજાશે અને તેનું સમાપન એકતાનગર ખાતે થશે. આ દરમિયાન, ૧૪ આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવનો સંદેશ જન જન સુધી પ્રસરાવવામાં આવશે.
મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિ
અંબાજીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા યાત્રાના પ્રારંભ અવસરે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત રાજ્યમંત્રીઓ પી. સી. બરંડા, કમલેશભાઈ પટેલ, પ્રવિણભાઈ માળી તથા સ્વરુપજી ઠાકોર ઉપસ્થિતિ રહેશે.
સેવાલક્ષી અને સાંસ્કૃતિક કાર્યક્રમો
જનજાતીય ગૌરવ રથ જે ગામોમાં જશે, ત્યાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે. રાત્રિરોકાણના સ્થળોએ નીચે મુજબના કાર્યક્રમો યોજાશે:
 * ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક અને નિદર્શન.
 * કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતીનું વિતરણ.
 * રથયાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, અને સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યોજાશે.
 * બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજ બિરસા મુંડાના જીવન-કવનથી પરિચિત થાય તેવા ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, નાટક-ભવાઈ તથા તેમના જીવન પરના વ્યાખ્યાનો અને ફિલ્મ નિદર્શન પણ યોજાશે.
આ ઉપરાંત, ૧૪ આદિજાતિ સિવાયના ૨૦ જિલ્લાઓમાં પણ ૧૩ થી ૧૫ નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન છે.
વિકસિત ભારત માટે 'આપણો દેશ, આપણું રાજ'
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે-સમજે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૫મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસની રાષ્ટ્ર કક્ષાની ઉજવણી ડેડિયાપાડામાં દેવમોગરા માતાજીના સાનિધ્યમાં થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપેલા *‘વિકાસ ભી, વિરાસત ભી’*ના મંત્રને સાકાર કરતી આ રથયાત્રાથી, અંતરિયાળ અને છેવાડાના આદિજાતિ બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવીને રાષ્ટ્રનિર્માણમાં જોડવામાં આ યાત્રા મહત્વની બનશે, તેમ માહિતીખાતાની એક યાદીમાં જણાવાયું છે.

 

(7:40 PM IST)