હરિયાણામાં 'મત ચોરી'ના રાહુલ ગાંધીના આરોપો: ચૂંટણી પંચ વિગતવાર રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે!
ECI એ હરિયાણાના CEO પાસે માંગ્યો જવાબ; 'ઘર નંબર શૂન્ય' સાથેની એન્ટ્રીઓ પર ઉઠાવ્યા હતા સવાલ

ચંદીગઢ: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં થયેલા 'મત ચોરી'ના ગંભીર આરોપોના પગલે, હરિયાણા ચૂંટણી પંચ (ECI) હવે ઔપચારિક જવાબ આપવા માટે સજ્જ થઈ ગયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) એ હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એ. શ્રીનિવાસ પાસેથી આ મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે.
રાહુલ ગાંધીએ તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ સાથે સંકળાયેલા લોકોએ ઉત્તર પ્રદેશ અને હરિયાણા બંનેમાં મતદાન કર્યું હતું, જેમાં 'ઘર નંબર શૂન્ય' સાથેની એન્ટ્રીઓમાં અનિયમિતતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ ખોટું બોલવાનો આક્ષેપ કર્યો હતો. આ આરોપોને પગલે CEO એ. શ્રીનિવાસાએ કથિત અનિયમિતતાઓનો ઉલ્લેખ કરનારા તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ પાસેથી અહેવાલ માંગ્યા છે.
મુખ્યમંત્રી સૈનીનો પલટવાર: હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ રાહુલ ગાંધીના નિવેદનોને સંપૂર્ણપણે ખોટા ગણાવીને પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, "રાહુલ ગાંધીના આરોપો લોકશાહી સંસ્થાઓની ગરિમા પર હુમલો છે. ગાંધી પરિવારે ચાર પેઢીઓ સુધી દેશ પર શાસન કર્યું, પરંતુ હવે રાજકીય લાભ માટે જુઠ્ઠાણાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે."
હાલમાં, બધાની નજર ચૂંટણી પંચના રિપોર્ટ પર છે, જે ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે. આ રિપોર્ટ કોંગ્રેસના દાવાઓની સત્યતા અને હરિયાણા વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદીના સંચાલનની પારદર્શિતા નક્કી કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
