<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

ટ્રમ્પની બેવડી ધમકી: ટેરિફ પર સુપ્રીમ કોર્ટ સામે ચેતવણી, ભારત-પાક સંઘર્ષ પર ફરી વિવાદાસ્પદ દાવો!: મે મહિનાની અથડામણમાં 'આઠ વિમાન તોડી પાડ્યા'નો પુનરોચ્ચાર

યુએસ પ્રમુખે ટેરિફ મુદ્દે 'રાષ્ટ્રીય હિતમાં કોઈ પણ પગલું' ભરવાની આપી ધમકી: સુપ્રીમ કોર્ટમાં ટેરિફ કેસની સુનાવણી

વોશિંગ્ટન ડી.સી.: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપાર અને દક્ષિણ એશિયાના સંઘર્ષ બંને મુદ્દે એકસાથે વિવાદાસ્પદ નિવેદનો આપીને હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો સુપ્રીમ કોર્ટ વિદેશી માલ પર લાદવામાં આવેલા ટેરિફ સામે ચુકાદો આપે છે, તો યુએસ "લાચાર" થઈ જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ રાષ્ટ્રીય હિતમાં આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈપણ વૈકલ્પિક વિકલ્પોનો ઉપયોગ કરવામાં અચકાશે નહીં.

ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા પછી તેમણે ભારત સહિત વિશ્વના ઘણા દેશોના માલ પર ટેરિફ વધાર્યા છે, જેનાથી અમેરિકન ગ્રાહકો પર આર્થિક બોજ વધ્યો છે. સુપ્રીમ કોર્ટમાં ટેરિફ કેસની સુનાવણી ચાલી રહી છે, જ્યાં ન્યાયાધીશોએ પ્રમુખને સંસદીય મંજૂરી વિના આટલા વ્યાપક ટેરિફ લાદવાના અધિકાર અંગે પ્રશ્ન કર્યો છે.

આર્થિક ધમકી ઉપરાંત, ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મિયામીમાં એક બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે દાવો કર્યો કે મે મહિનામાં થયેલી અથડામણ દરમિયાન આઠ ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, ભારત સરકારે અગાઉ જ સ્પષ્ટતા કરી દીધી છે કે ભારત-પાક વચ્ચેનો યુદ્ધવિરામ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા થયો હતો અને તેમાં કોઈ તૃતીય પક્ષનો હસ્તક્ષેપ નહોતો.

(6:11 PM IST)