News of Friday, 7th November 2025
ખેડૂતોને તુરંત બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય : કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે અત્યાર સુધીનું સૌથી મોટું ₹૧૦,૦૦૦ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર : જુઓ વિડીયો
પિયત અને બિનપિયત પાકો માટે પ્રતિ હેક્ટર ₹૨૨,૦૦૦ ની એકસમાન સહાય (બે હેક્ટરની મર્યાદામાં) : ૩૩ જિલ્લાના ૧૬,૫૦૦થી વધુ ગામોમાં ૫,૧૦૦ ટીમોએ ૩ દિવસમાં સર્વે પૂર્ણ કર્યો : મુખ્યમંત્રી પોતે ગીર-સોમનાથ પહોંચ્યા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી

ગાંધીનગર : ગુજરાતમાં તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને ઝડપભેર બેઠા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અત્યાર સુધીનું સૌથી મોટું, આશરે ₹૧૦,૦૦૦ કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. આ નિર્ણય દ્વારા રાજ્ય સરકારે ખેડૂતોની વિપદાની વેળાએ સંપૂર્ણ સંવેદના સાથે પડખે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
સહાયની ઐતિહાસિક જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કિસાન હિતકારી અભિગમ અપનાવીને રાહત સહાય પેકેજના ઇતિહાસમાં એક મહત્ત્વનો અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે:
* પિયત અને બિનપિયત પાકોને એકસમાન ધોરણે પાક નુકસાન વળતર આપવાનો નિર્ણય.
* ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹૨૨,૦૦૦ ની સહાય, જે બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર ચૂકવશે.
* આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ ₹૧૦,૦૦૦ કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.
સર્વેક્ષણ અને મંત્રીઓની મુલાકાત
કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાના ૧૬,૫૦૦થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે/પંચ રોજકામ યુદ્ધના ધોરણે હાથ ધરાયો હતો.
* મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના દિશાનિર્દેશો મુજબ, ૫,૧૦૦થી વધુ ટીમોએ દિવસ-રાત કાર્યરત રહીને ત્રણ દિવસમાં સર્વે પૂર્ણ કર્યો હતો.
* મુખ્યમંત્રીએ પોતે ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં જઈને ધરતીપુત્રોની વીતક પૂરી સંવેદનશીલતા સાથે સાંભળી હતી.
* નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (સુરત), કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી (ભાવનગર), અને અન્ય મંત્રીઓ જેવા કે નરેશભાઈ પટેલ (તાપી), અર્જુનભાઈ મોઢવાડિયા (જૂનાગઢ/ ગીર સોમનાથ), ડૉ. પ્રદ્યુમન વાજા (જૂનાગઢ/ ગીર સોમનાથ) તથા કૌશિકભાઈ વેકરિયા (અમરેલી) એ પણ અસરગ્રસ્ત જિલ્લાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કર્યા હતા.
આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા મુખ્યમંત્રીએ મંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. રાજ્ય સરકારનું આ ઉદારતમ સહાય પેકેજ ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી ઝડપભેર પુન: બેઠા થવામાં મદદરૂપ નીવડશે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
