<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

આતંકવાદ સામે ભારતની કાર્યવાહીનું પરિણામ: પાકિસ્તાને UNમાં સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવા ભારત પાસે કરી ભાવનાત્મક અપીલ!

પહેલગામ હુમલા બાદ ભારતે સંધિ રદ કરી, જેથી પાકિસ્તાનમાં નદીઓ સૂકાઈ ગઈ; પાકિસ્તાને યુએનમાં કહ્યું: 'ભારતનું એકપક્ષીય પગલું લાખો લોકોના જીવન અને પર્યાવરણને જોખમમાં મૂકે છે.'

સંયુક્ત રાષ્ટ્ર (યુએન) : આતંકવાદને સમર્થન આપવા બદલ ભારતે લીધેલા કડક પગલાંના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પાકિસ્તાને હવે સિંધુ જળ સંધિનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર ઉઠાવ્યો છે. ભારતે પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી હતી, જેના કારણે પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ છે અને દેશમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ છે.

યુએનમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે સુરક્ષા પરિષદની બેઠકમાં ભાવનાત્મક અપીલ કરી હતી, જેમાં તેમણે ભારતને તાત્કાલિક સંધિ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી. અહેમદે દાવો કર્યો કે ભારત દ્વારા સંધિને એકપક્ષીય રીતે સસ્પેન્ડ કરવી એ જળ સંસાધનોનું શસ્ત્રીકરણ છે, જે લાખો લોકોની ખાદ્ય અને ઊર્જા સુરક્ષા જોખમમાં મૂકે છે. તેમણે ભારત પર રાજકીય દબાણ માટે વહેંચાયેલ નદીઓના પાણીનો ઉપયોગ કરવાનો આરોપ પણ મૂક્યો હતો અને આ મામલે યુએનને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.

ભારતે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને નાબૂદ નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. પાકિસ્તાન હવે આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર ખેંચીને ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૬૦ માં વિશ્વ બેંકની મધ્યસ્થીથી થયેલા આ કરાર હેઠળ સિંધુ બેસિનની છ નદીઓનું પાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવ્યું હતું.

 

(9:55 PM IST)