News of Saturday, 8th November 2025
ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા શરૂ :હિમાચલ પ્રદેશથી લઈને જમ્મુ-કાશ્મીર સુધીની પહાડીઓમાં ભારે હિમવર્ષા
ઉત્તર ભારતમાં ઠંડીએ પોતાની રફતાર પકડી :લાહોલ-સ્પિતિ જિલ્લાના તાબોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન માઇનસ 5.5 ડિગ્રી નોંધાયું

નવી દિલ્હી : માવઠાના કહેર બાદ હવે ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ બદલાયેલા વાતાવરણ પાછળનું મુખ્ય કારણ ઉત્તર ભારતના રાજ્યોમાં શરૂ થયેલી હિમવર્ષા છે.
હિમાચલ પ્રદેશથી લઈને જમ્મુ-કાશ્મીર સુધીના પહાડી વિસ્તારોમાં હાલ ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો ખૂબ જ ઠંડા રહેવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે ત્યાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લાહોલ-સ્પિતિ જિલ્લાના તાબોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન માઇનસ 5.5 ડિગ્રી નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં ઠંડીએ પોતાની રફતાર પકડી લીધી છે. છેલ્લા 48 કલાકમાં હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ છે. ઉના, બિલાસપુર, હમીરપુર, ચંબા, કાંગડા અને મંડી જેવા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં પણ હવામાન બદલાયું છે. જમ્મુ-કાશ્મીરના પર્વતોમાં બરફવર્ષા નોંધાઈ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
