<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

G20 કરતાં પણ ભવ્ય હશે BRICSનું આયોજન! મોદી સરકારે 60 શહેરો માટે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

2026માં BRICSની અધ્યક્ષતા ભારત સંભાળશે; પતંગ મહોત્સવથી ગોવા કાર્નિવલ સુધી ચમકશે દેશની વિવિધતા

નવી દિલ્હી: વૈશ્વિક મંચ પર ભારતની હાજરીને વધુ મજબૂત કરવા માટે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જાન્યુઆરી 2026થી શરૂ થનારા BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સભ્ય દેશોનું જોડાણ)ના પ્રમુખપદ માટે ભવ્ય યોજનાઓ તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2023ના G20 સમિટ કરતાં પણ વધુ મોટા પાયે આયોજન કરીને ભારત પોતાની સંસ્કૃતિ, વિવિધતા અને વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા પ્રદર્શિત કરવા માંગે છે.

સમગ્ર દેશમાં 60 શહેરોમાં કાર્યક્રમો: સરકારી દસ્તાવેજો મુજબ, BRICS સંબંધિત બેઠકો અને કાર્યક્રમો દેશના 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 60 શહેરોમાં યોજવામાં આવશે. G20ની જેમ જ, આ વખતે પણ જાહેર ભાગીદારી (Public Participation) પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી દરેક નાગરિક આ ગૌરવપૂર્ણ કાર્યક્રમનો હિસ્સો બની શકે.

BRICS થીમ સાથે ઉત્સવો: આયોજનમાં વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:

સાંસ્કૃતિક કાર્યક્રમો: કેરળનો બોટ ફેસ્ટિવલ, ઓડિશાનો સેન્ડ આર્ટ ફેસ્ટિવલ અને ગોવા કાર્નિવલ જેવા લોકપ્રિય તહેવારો પણ BRICS થીમ દ્વારા આકાર પામશે.

પ્રચાર અને જાગૃતિ: BRICS-થીમ આધારિત પતંગ મહોત્સવ, દિવાળી પર પર્યાવરણને અનુકૂળ દીવાઓ દ્વારા BRICS લોગો બનાવવો, અને પ્રજાસત્તાક દિવસ પર ખાસ ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે.

સંગીત: આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ભારતીય સંગીતકાર દ્વારા એક ખાસ BRICS થીમ ગીત પણ બનાવવામાં આવશે.

મોદી સરકારનો સ્પષ્ટ ધ્યેય છે કે જ્યારે ભારત 2026માં BRICSની કમાન સંભાળે, ત્યારે દુનિયામાં એક મજબૂત સંદેશ જાય કે "આ નવું ભારત છે, જે વૈશ્વિક મંચ પર ચમકી રહ્યું છે."

 

(10:54 PM IST)