News of Sunday, 9th November 2025
ચંદ્રયાન-ર એ આપ્યા સારા સમાચાર, ઇસરોએ માહિતી શેર કરી
ચંદ્રયાન-રનું ઓર્બિટર ર૦૧૯ થી ચંદ્રની કક્ષામાં છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટા આપી રહ્યું છે, આ અદ્યતન રડાર મોડ ઉભી અને આડી એમ બન્ને દિશામાં સિગ્નલ મોકલે છે

નવી દિલ્હી: નવી દિલ્હીમાં આવેલ ISRO (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન) એ ૬ વર્ષ પહેલા લોન્ચ કરાયેલા ચંદ્રયાન-૨ મિશનના ઓર્બિટર તરફથી મળેલા મહત્ત્વપૂર્ણ ડેટા અંગે સારા સમાચાર આપ્યા છે. ૨૦૧૯ થી ચંદ્રની કક્ષામાં રહેલું ચંદ્રયાન-૨નું ઓર્બિટર સતત ઉચ્ચ-ગુણવત્તાવાળા ડેટા પૂરો પાડી રહ્યું છે, જે ચંદ્રના ધ્રુવીય પ્રદેશોની ઊંડી સમજ મેળવવામાં મદદરૂપ થશે. ISROએ જણાવ્યું છે કે, આ ડેટા ચંદ્રની સપાટીના ભૌતિક અને ડાઈલેક્ટ્રિક ગુણધર્મોનું વર્ણન કરે છે, જે ભવિષ્યના ચંદ્ર અધ્યયન મિશન માટે ભારતનું પ્રમુખ મૂલ્ય સંવર્ધન છે.
ચંદ્રયાન-૨ ઓર્બિટર પર રહેલા ડ્યુઅલ ફ્રીક્વન્સી સિન્થેટિક અપર્ચર રડાર (DFSAR) પેલોડે L-બેન્ડનો પૂર્ણ-પોલરિમેટ્રિક મોડમાં ઉપયોગ કરીને ચંદ્રનો અત્યાર સુધીનો સૌથી હાઇ રિઝોલ્યુશન (૨૫ મીટર/પિક્સેલ) નકશો બનાવ્યો છે. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના વૈજ્ઞાનિકોએ લગભગ ૧,૪૦૦ રડાર ડેટાસેટનો ઉપયોગ કરીને પાણી-બરફની સંભવિત હાજરી, સપાટીની ખરબચડી અને ડાઈલેક્ટ્રિક સ્થિરાંકના સંબંધમાં એડવાન્સ ડેટા અલ્ગોરિધમ્સ તૈયાર કર્યા છે, જે સંપૂર્ણપણે સ્વદેશી છે.
આ એડવાન્સ ડેટા અલ્ગોરિધમ્સ ચંદ્રના ધ્રુવીય પ્રદેશો વિશેની પ્રથમ ક્રમની માહિતી એકત્રિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ ક્ષેત્રોમાં સૌરમંડળની પ્રારંભિક રાસાયણિક રચના સંરક્ષિત રહી હશે, જે ગ્રહોના વિકાસના ઘણા પાસાઓને સમજવા માટે મહત્ત્વપૂર્ણ પુરાવો છે. ISROએ કહ્યું કે, આ ધ્રુવીય નકશા ભવિષ્યના ચંદ્ર સંશોધન મિશન માટે ધ્રુવીય પ્રદેશોની વિશેષતાઓને દર્શાવતી સંપૂર્ણ માહિતી પ્રદાન કરશે.
ISRO એ વધુમાં જણાવ્યું છે કે, ચંદ્રયાન-૨ ઓર્બિટરમાંથી પ્રાપ્ત એડવાન્સ ડેટાની મદદથી તૈયાર કરાયેલા ધ્રુવીય નકશા અલ્ગોરિધમ્સ (લેવલ 3C) હવે વૈજ્ઞાનિક સમુદાયના ઉપયોગ માટે ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન ડેટા સેન્ટર (ISSDC) ની વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
