News of Sunday, 9th November 2025
ટ્રમ્પ હે કે માનતા હી નહીં... શટડાઉનના લીધે બે હજારથી વધુ ફલાઇટસ રદ
ફલાઇટ કેનસલેશન શટડાઉનની વિપરીત અસરનું પરિણામ, હવે જો શટડાઉન ખતમ ન થયું તો આગામી દિવસોમાં હેરાનગતિ હજુ વધશે

નવી દિલ્હીઃ બે આખલા ઝગડે અને ઘાસનો ખો નીકળે તેવી સ્થિતિ હાલમાં અમેરિકન પ્રજાની થઈ છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ સામસામે આવી જતાં અમેરિકામાં શટડાઉન દિનપ્રતિદિન નવો ઇતિહાસ રચી રહ્યુ છે. પણ આ બધામાં અમેરિકન પ્રજાની તકલીફો પારાવાર વધી ગઈ છે. શટડાઉનના કારણે અમેરિકામાં શુક્રવારે 1200 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. શનિવારે બીજી 700 ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.
આશ્ચર્યની વાત એ છે કે આ બધી ફ્લાઇટ્સ કોઈ સાઇબર હુમલા કે ટેકનિકલ અવરોધના કારણે બંધ કરવામાં આવી નથી, પણ શટડાઉનના કારણે બંધ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ આંકડો વધી જાય તો આ પણ એક નવો જ વિક્રમ સર્જાશે. ફ્લાઇટ કેન્સલેશન શટડાઉનની વિપરીત અસરનું પરિણામ છે. હાલમાં શરૂ થયેલું ફ્લાઇટ કેન્સલેશન તો ફક્ત ચાર ટકા જ છે અને તે દૈનિક ધોરણે 10 ટકાએ પહોંચી શકે છે.
આટલી બધી ફ્લાઇટ્સ રદ થતાં હજારો યાત્રીઓને હેરાનગતિ થઈ છે. થેન્ક્સગિવિંગ ડેને કેટલાક અઠવાડિયા બાકી રહી ગયા છે અને હવે જો શટડાઉન ખતમ નહીં થયું તો આગામી દિવસોમાં હેરાનગતિ હજી વધી શકે છે. દેશની સૌથી મોટી એરલાઇન કંપની અમેરિકન એરલાઇન્સે 220 ફ્લાઇટ રદ કરી છે. ડેલ્ટાએ લગભગ 170 ફ્લાઇટ્સ રદ કરી. જ્યારે સાઉથવેસ્ટ એરલાઇન્સે લગભગ 100 ફ્લાઇટ્સ રદ કરી.
ફ્લાઇટઅવેર મુજબ ગુરુવારે 6800થી વધુ ફ્લાઇટ્સ લેટ થઈ અને 200 ફ્લાઇટ્સ રદ થઈ. શટડાઉનના કારણે કેટલાય કર્મચારી વેતન વગર કામ કરી રહ્યા છે. ટ્રમ્પ તંત્રએ એર ટ્રાફિક કંટ્રોલરનો બોજ ઘટાડવા માટે ફ્લાઇટ્સમાં ઘટાડો કરવાનું જણાવ્યું હતું. એટલાન્ટા, નેવાર્ક, શિકાગો, હ્યુસ્ટન અને લોસ એન્જલ્સ જેવા એરપોર્ટ પર સૌથી વધુ અસર પડી. ઓક્ટોબરમાં શરૂ થયેલું શટડાઉન થેન્ક્સગિવિંગ સુધી ખેંચાય છે તો સ્થિતિ વધુ ગંભીર બની જશે.
ફેડરલ એવિયેશન ઓથોરિટી (એફએએ)નું કહેવું છે કે આવી સ્થિતિ લાંબો સમય ચાલી તો ફ્લાઇટ્સની કામગીરી પણ થંભી જશ. હાલમાં શટડાઉનની પ્રક્રિયા ચાલી રહી હોવાથી એર ટ્રાફિક કંટ્રોલર પર ઓછામાં ઓછો બોજો આવે તે રીતે કામ કરવા આદેશ આપાયો છે. તેના પગલે ટ્રમ્પ તંત્ર એટીસીમાં પણ કાપ મૂકવાનું આયોજન કરી રહ્યું છે. સરકારી શટડાઉનનો અંત આવી રહ્યો નથી તો તેનો અંત લાવવા માટે સેનેટરો મેદાનમાં ઉતર્યા છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
