<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

તેલુગુ અભિનેતા તરૂણ જેલમાં માણે રહ્યો છે 'લક્ઝુરિયસ' લાઈફ: ગોલ્ડ સ્મગલિંગના આરોપી એક્ટર તરુણને મળી રહી છે ખાસ VIP સુવિધા!

અભિનેત્રી રાન્યા રાવ સાથે કરોડોના સોનાની હેરાફેરી: જેલમાં મોબાઈલ, ટીવી અને વિશેષ વ્યવસ્થા અને મનોરંજનના સાધનો ઉપલબ્ધઃ વોડીયો વાયરલ

નવી દિલ્હી/બેંગલુરુ: કન્નડ અભિનેત્રી રાન્યા રાવ સંડોવાયેલા કરોડો રૂપિયાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરાયેલા તેલુગુ એક્ટર તરુણ રાજુ જેલમાં લક્ઝુરિયસ જીવન જીવી રહ્યો હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. સૂત્રો અને વાયરલ થયેલા વીડિયો મુજબ, તરુણને જેલમાં મોબાઈલ ફોન, ટેલિવિઝન, ખાસ સુવાની વ્યવસ્થા અને મનોરંજનના સાધનો સહિતની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે, જે જેલ પ્રશાસનની કાર્યવાહી પર ગંભીર સવાલો ઊભા કરે છે.
આ ગોલ્ડ સ્મગલિંગનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તપાસ એજન્સીઓ DRI અને ED દ્વારા ખુલાસો થયો કે વરિષ્ઠ IPS અધિકારીની પુત્રી રાન્યા રાવે ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન દુબઈની ૫૦થી વધુ યાત્રાઓ કરી હતી અને આ પ્રવાસમાં તે સોનાની હેરાફેરીમાં સામેલ હતી. ૩ માર્ચે રાન્યા રાવને બેંગલુરુ એરપોર્ટ પરથી ૧૪.૮ કિલો સોના સાથે ઝડપી લેવાઈ હતી. આ કેસમાં જ તેની સાથે તરુણ રાજુ અને સાહિલ જૈનની પણ ધરપકડ કરવામાં આવી હતી.
અભિનેતા તરુણ રાજુ પર આરોપ છે કે તેણે રાન્યા રાવને આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૨૦૧૮માં આવેલી એક તેલુગુ ફિલ્મના શૂટિંગ અને પ્રમોશન દરમિયાન બંનેનો સંપર્ક થયો હતો, અને ત્યાંથી જ ગોલ્ડ સ્મગલિંગના નેટવર્કની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. રાન્યા રાવ કર્ણાટકના વરિષ્ઠ પોલીસ અધિકારીની સાવકી પુત્રી હોવાથી આ કેસ વધુ ચર્ચામાં રહ્યો છે.
એક તરફ આ કેસમાં રાન્યા રાવના નિવાસસ્થાનેથી રૂ.૨.૦૬ કરોડના સોનાના દાગીના અને રૂ.૨.૬૭ કરોડની રોકડ મળી આવી હતી, ત્યારે બીજી તરફ તેના કથિત સાથી એક્ટર તરુણને જેલમાં VIP સુવિધાઓ મળવી એ કાયદાના શાસન માટે એક મોટો પડકાર છે. આ લક્ઝુરિયસ જેલ લાઈફના ખુલાસા બાદ જેલ પ્રશાસન સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માગ ઉઠી છે.

(4:39 PM IST)