News of Sunday, 9th November 2025
Meeshoના નામે વોટ્સએપ પર લિંક આવે તો ભૂલથી ક્લિક કરતા નહીં, ખોલતા નહીં:પોલીસે આપી ચેતવણી
આ સાયબર ઠગોની લોકોને છેતરવાની નવી તરકીબ :પશ્ચિમ કચ્છ પોલીસે પોસ્ટ કરીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી

ડિજિટલ યુગમાં વધતા ડિજિટલાઈઝેશન સાથે સાયબર ક્રાઈમના બનાવો પણ વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતી એક નવી ઠગાઈની તરકીબથી હાલ લોકોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે. વિખ્યાત ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો ના નામે 'Meesho-Maha Loot Gift' નામની એક લિંક વાયરલ થઈ રહી છે, જેમાં મોટી ગિફ્ટ અને ઓછી કિંમતે વસ્તુની લાલચ આપીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આથી કચ્છ પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને આ લિંક પર ક્લિક ન કરવાની વિનંતી કરી છે.
સોશિયલ મીડિયા વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ફરતી આ લિંકમાં 'મહા લૂટ ગિફ્ટ'ની આકર્ષણજનક ઓફર આપવામાં આવી છે. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
આ પોસ્ટમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, "સાવધાન રહો – “Meesho Loot Gift” છેતરપિંડીનો નવો પ્રયાસ! તાજેતરમાં WhatsApp પર “Meesho – Maha Loot Gifts” નામથી એક ખોટી લિંક મોકલવામાં આવે છે. આવી લિંક્સ તમારા બેંક ડીટેઇલ્સ અને વ્યક્તિગત માહિતી ચોરવા માટે બનાવવામાં આવે છે."
આ સાથે જ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં લોકોને મીશોની સત્તાવાર વેબસાઈટ/એપ્લિકેશન પરથી ખરીદી કરવા જણાવવામાં આવ્યું છે. સાથે જ આ અંગે મિત્રો અને પરિવારજનોને સાવધાન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.
સાયબર ઠગોથી બચવું હોય તો આટલું ધ્યાન રાખો - (1) અજાણી લિંક પર ક્લિક ન કરો: કોઈપણ ઓફર કે ગિફ્ટની લાલચમાં આવીને લિંક ખોલશો નહીં. તેને તાત્કાલિક ડિલીટ કરો. (2) OTP અને બેંક વિગતો શેર ન કરો: કોઈપણ કંપની કે વ્યક્તિ તમારો OTP માંગે તો તે ઠગાઈ છે. (3) સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરો: મીશો જેવી કંપનીઓની ઓફર્સ માટે તેની સત્તાવાર એપ અથવા વેબસાઈટ જ તપાસો. (4) જાગૃત રહો: પરિવારના સભ્યોને પણ આ વિશે જણાવો અને શંકાસ્પદ મેસેજને રિપોર્ટ કરો.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
