News of Sunday, 9th November 2025
અજિત પવારના પુત્ર પાર્થની કંપની પર ₹૧,૮૦૦ કરોડની સરકારી જમીન હડપવાનો ગંભીર આરોપ કંપનીમાં ૯૯% હિસ્સો ધરાવતા પાર્થ પવારનું નામ "એફઆઇઆર"માં કેમ નથી ? વિપક્ષોના પ્રહાર
પુત્ર પાર્થ અને ભાગીદારોને આ જમીન સરકારી હોવાની જાણ નહોતી! માહિતી મળતા જ કરાર રદ કરી દીધો: અજીત પવાર નો દાવો: પાર્થના પાર્ટનર દિગ્વિજય પાટીલ, પાવર ઑફ એટર્ની ધારક શીતલ તેજવાની અને સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સહિત ૨૭૨ વિરુદ્ધ છેતરપીડી કેસ ફોટો

પુણે/મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ડેપ્યુટી સીએમ અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપની સાથે સંકળાયેલા કથિત જમીન કૌભાંડને લઈને મોટો ખળભળાટ મચ્યો છે. પુણેના મુંધવા વિસ્તારમાં સરકારી માલિકીની ૪૦ એકર 'મહાર વતન' જમીન પર કથિત ગેરકાયદેસર કબ્જાના આરોપો છે.
હિન્દી દૈનિક જાગરણમાં આવેલા વિગતવાર માહિતી મુજબ, આ જમીન મૂળરૂપે દલિતો (મહાર સમુદાય) માટે આરક્ષિત હતી અને તેની બજાર કિંમત આશરે ₹૧,૮૦૦ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. આ જમીન પાર્થ પવાર અને દિગ્વિજય પાટીલની માલિકીની કંપની 'અમાડેયા એન્ટરપ્રાઇઝિસ એલએલપી'એ માત્ર ₹૩૦૦ કરોડમાં ખરીદી હોવાનો વિપક્ષનો ગંભીર આક્ષેપ છે. આટલું જ નહીં, આ સોદા પર લાગતી ₹૨૧ કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ માફ કરી દેવાઈ હતી, અને માત્ર ₹૫૦૦ની મામૂલી રકમ લેવાઈ હોવાનો આરોપ છે.
આ જમીન સરકારી હોવાથી તે વેચાણપાત્ર ન હોવા છતાં તેનો સોદો કરવામાં આવ્યો. આ મામલો પ્રકાશમાં આવતા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને એડિશનલ ચીફ સેક્રેટરી વિકાસ ખારગેના વડપણ હેઠળ એક તપાસ સમિતિની રચના કરી છે.
પ્રાથમિક કાર્યવાહી રૂપે પુણેના તહસીલદાર સૂર્યકાંત યેવલે અને સબ-રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુ સહિત બે મહેસૂલી અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જોકે, અજિત પવારે દાવો કર્યો છે કે તેમના પુત્ર પાર્થ અને ભાગીદારોને આ જમીન સરકારી હોવાની જાણ નહોતી. માહિતી મળતા જ તેમણે આ કરાર રદ કરી દીધો છે. આ મામલે પાર્થના બિઝનેસ પાર્ટનર દિગ્વિજય પાટીલ, પાવર ઑફ એટર્ની ધારક શીતલ તેજવાની અને સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સહિત ૨૭૨ અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ગબનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિપક્ષે પ્રશ્ન કર્યો છે કે કંપનીમાં ૯૯% હિસ્સો ધરાવતા પાર્થ પવારનું નામ "એફઆઇઆર"માં કેમ નથી ?
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
