<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ભોપાલમાં કરુણાંતિકા: ટ્રકની ઠોકરે બાઈકનો કચ્ચરઘાણ, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ વિષ્ણુ આર્ય રઘુનાથ સહિત ભારતીય નેવીના બે જવાનોના મોત

બંને મિત્રો ભોપાલ-ઇન્દોર હાઇવે પર એક ઢાબા પર જમવા ગયા હતા. ત્યારે એક ઝડપી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી ૨૦ મીટર સુધી ઘસડી: બંને જવાનો મૂળ કેરળના અલાપ્પુઝાના રહેવાસી

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભારતીય નૌસેના (નેવી)ના બે જવાનોનું કરુણ મૃત્યુ થયું છે. મૃતકોની ઓળખ વિષ્ણુ આર્ય રઘુનાથ (જેઓ એશિયા કપમાં ગોલ્ડ મેડલ વિજેતા હતા) અને આનંદ કૃષ્ણન તરીકે થઈ છે. બંને જવાન કેરળના અલાપ્પુઝાના રહેવાસી હતા અને કોચી સ્થિત નેવલ બેઝ પર તૈનાત હતા. શનિવારની રાત્રે બંને મિત્રો ભોપાલ-ઇન્દોર હાઇવે પર એક ઢાબા પર જમવા ગયા હતા. આ અકસ્માત રવિવારની વહેલી સવારે લગભગ ૩ વાગ્યે થયો હતો, જ્યારે એક ઝડપી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી અને લગભગ ૨૦ મીટર સુધી ઘસડી હતી. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહનની શોધખોળ શરૂ કરી છે. બંને જવાનોના મૃતદેહ આજે દિલ્હી પહોંચ્યા બાદ અંતિમ સંસ્કાર માટે કેરળ મોકલવામાં આવશે.

 

શરૂઆતમાં એવું લાગતું હતું કે તેમની સ્પોર્ટ્સ બાઇક કાબૂ ગુમાવવાને કારણે રસ્તાની બાજુના થાંભલા સાથે અથડાઈ હશે. જોકે, બાઇકના પાછળના ભાગમાં થયેલું મોટું નુકસાન અને ઘસડાવાના નિશાનને કારણે પોલીસે પુષ્ટિ કરી કે ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ટ્રક ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

(9:46 AM IST)