News of Monday, 10th November 2025
હિન્દુ હોય કે મુસલમાન, બીજા લગ્ન કર્યા તો ૭ વર્ષની સજા
આસામમાં બહુવિવાહ પર પ્રતિબંધ

ગુવાહાટી તા. ૧૦ : આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રવિવારે કહ્યું કે રાજય મંત્રીમંડળે બહુવિવાહ પર પ્રતિબંધ લગાવતા બિલને મંજૂરી આપી દીધી છે. જેના માટે દોષિતોને સાત વર્ષ સુધીની કઠોર કારાવાસની સજા આપી શકે છે. જો કે છઠ્ઠી અનુસૂચિવાળા વિસ્તાર માટે અમુક અપવાદ હોઈ શકે છે. સરમાએ અહીં મંત્રીમંડળ બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતા કહ્યું કે સરકાર બહુવિવાહ પીડિત મહિલાઓને વળતર આપવા માટે એક નવું ભંડોળ પણ બનાવશે, જેથી તેમને જીવન જીવવામાં તકલીફોનો સામનો ન કરવો પડે.
તેમણે કહ્યું કે, આસામ મંત્રીમંડળે આજે બહુવિવાહ પર પ્રતિબંધ લગાવનારા બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલનું નામ આસામ બહુવિવાહ નિષેધ વિધેયક, ૨૦૨૫ હશે. તેને ૨૫ નવેમ્બરના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. સરમાએ કહ્યું કે જો કોઈ આરોપી પર બહુવિવાહનો આરોપ સાબિત થશે તો તેને સાત વર્ષ સુધીની કઠોર જેલની સજા થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમે પીડિત મહિલાઓને વળતર આપવા માટે એક ભંડોળ બનાવવાનો પણ નિર્ણય લીધો છે. સરકાર જરૂરી મામલામાં આર્થિક મદદ કરશે, જેથી કોઈ પણ મહિલાને જિંદગીમાં મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે.
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, સરકાર અસમ બહુવિવાહ નિવારણ વિધેયક, ૨૦૨૫દ્ગચ વિધાનસભામાં રજૂ કરવા માટે તૈયાર છે. આ કાનૂનને લાગુ કર્યા બાદ દોષિતો વિરુદ્ધ જામીન વિનાના કેસ નોંધવામાં આવશે. પીડિતને આર્થિક વળતર આપવામાં આવશે. આ બિલ નવેમ્બરમાં સદનમાં રજૂ કરવામાં આવશે. જો કે આ અધિનિયમ આદિવાસી લોકો અને છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત આવતા વિસ્તાર પર લાગુ થશે નહીં.
તેમણે આગળ કહ્યું કે, મારી પાસે ૨૦૦૧થી ૨૦૧૧ની વચ્ચે હિન્દુ અને મુસ્લિમ વસ્તીની વૃદ્ધિના આંકડા છે. આપ જોશો તો દરેક જગ્યાએ હિન્દુ વસ્તીની વૃદ્ધિ ઓછી થઈ રહી છે અને આસામના દરેક બ્લોકમાં મુસ્લિમ વસ્તી વધી રહી છે. અમે જમીન વેચાણની અનુમતિની પણ તપાસ શરૂ કરી દીધી છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
