News of Monday, 10th November 2025
દરેક અમેરિકનને રૂા. ૧.૭૦ લાખ આપવા ટ્રમ્પનું એલાન
અમેરિકામાં પણ ‘રેવડી કલ્ચર' !! પીએમ કિસાન નિધિનું મોડલ અપનાવતા ટ્રમ્પ : ટેરિફનો ફાયદો ગણાવી દરેક અમેરિકનોને ૨૦૦૦ ડોલર આપવાની કરી જાહેરાત : ‘ટેરિફ ડિવિડન્ડ' જેવું રૂપાળુ નામ આપ્યું આ ‘રેવડી'ને : ટેરિફનો વિરોધ કરનારાને ‘મુરખ' ગણાવ્યા : અમેરિકા ટેરિફથી અબજો ડોલરની કમાણી કરી રહ્યું છે : જેનો ઉપયોગ ૩૭ ટ્રિલિયન ડોલરનું દેવું ચુકવવા થશે : જે પછી શ્રીમંતોને બાદ કરતા દરેક નાગરિકોને ૨૦૦૦ ડોલરનું ડિવિડન્ડ અપાશે : ટ્રમ્પ

વોગ્શિંટન તા. ૧૦ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર તેમની ટેરિફ નીતિ પર એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પનું આ નિવેદન અમેરિકાના ગરીબ લોકોને અમીર બનાવી શકે છે. ટ્રમ્પે કહ્યું છે કે ટૂંક સમયમાં દરેક અમેરિકન નાગરિક (ધનવાનો સિવાય) ને ૨,૦૦૦ ડોલર ચૂકવવામાં આવશે. આ રકમ તેમના વહીવટ દ્વારા એકત્રિત કરાયેલા ટેરિફ આવકમાંથી આપવામાં આવશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, ‘જે લોકો ટેરિફની વિરુદ્ધ છે તેઓ મૂર્ખ છે!' તેમણે દાવો કર્યો કે તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકા વિશ્વનો સૌથી ધનિક અને સૌથી આદરણીય દેશ બન્યો, જયાં ફુગાવો ખૂબ જ ઓછો હતો અને શેરબજાર રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્રુથઆઉટ સોશિયલ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ટેરિફથી અબજો ડોલરની આવક થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ આવકથી ધનિકો સિવાય દરેક અમેરિકન નાગરિકને ૨,૦૦૦ ડોલર (આશરે રૂ. ૧.૭ લાખ) નો ‘ડિવિડન્ડ' મળશે.
પોસ્ટમાં, ટ્રમ્પે ટેરિફના ટીકાકારોને ‘મૂર્ખ' કહ્યા. તેમણે કહ્યું, ‘જે લોકો ટેરિફ વિરુદ્ધ બોલે છે તેઓ મૂર્ખ છે. અમારી સરકારે અમેરિકાને વિશ્વનો સૌથી ધનિક અને સૌથી આદરણીય દેશ બનાવ્યો છે, જયાં લગભગ કોઈ ફુગાવો અને રેકોર્ડબ્રેક શેરબજાર નથી.'
જોકે, ટ્રમ્પે આ લાભો કોને મળશે, પાત્રતા માપદંડ (જેમ કે આવક મર્યાદા), અથવા કોઈ સ્પષ્ટ સમયરેખા આપી ન હતી. આ પહેલી વાર નથી જયારે તેમણે આવું વચન આપ્યું હોય. ઓક્ટોબરમાં, તેમણે ૧,૦૦૦ ડોલર થી ૨,૦૦૦ ડોલર સુધીની છૂટનો સંકેત આપ્યો હતો.
ટેરિફથી થતા નફા ઉપરાંત, ટ્રમ્પે વેપાર બાબતોમાં રાષ્ટ્રપતિની સત્તાની મર્યાદા પર પ્રશ્ન ઉઠાવીને ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ પાસે વિદેશી દેશ સાથેના તમામ વેપારને અવરોધિત કરવાનો, બીજા દેશને લાઇસન્સ આપવાનો અધિકાર છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે તેમને ટેરિફ લાદવાની મંજૂરી નથી.
તેમણે કહ્યું, ‘અન્ય દેશો આપણા પર ટેરિફ લાદી શકે છે, પરંતુ અમે તે લાદી શકતા નથી. વ્યવસાયો ફક્ત ટેરિફના કારણે અમેરિકા આવી રહ્યા છે. ટેરિફ વિના, અમારી પાસે કંઈ નથી. શું સુપ્રીમ કોર્ટ આ સમજી શકતી નથી?'
ટ્રમ્પે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૫ માં જાહેર કરાયેલા ટેરિફ (૧૦% થી ૫૦%) યુએસ અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યા છે. વ્હાઇટ હાઉસે દલીલ કરી હતી કે ૧૯૭૭ ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ, રાષ્ટ્રપતિ પાસે વેપારને નિયંત્રિત કરવાની સત્તા છે, જેમાં ટેરિફ લાદવાનો સમાવેશ થાય છે.
સોલિસિટર જનરલ જોન સોયરે ચેતવણી આપી હતી કે આ નીતિને રદ કરવાથી આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થઈ શકે છે.
યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના મોટાભાગના ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા. ૫ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ઉદાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સોનિયા સોટોમાયોરે બંધારણનો ઉલ્લેખ કરીને ચુકાદો આપ્યો કે ટેક્સ લાદવાની સત્તા કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં.
ટ્રમ્પે વેપાર ખાધ અને અન્ય કારણોસર ચીન, કેનેડા અને મેક્સિકો જેવા દેશો પર ટેરિફ લાદ્યા. ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ અધિનિયમ હેઠળ આ કાયદાઓને વાજબી ઠેરવ્યા.
તેમણે દલીલ કરી કે વેપાર અસંતુલન યુએસ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે અને તેથી વેપાર પર ‘રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી અને ટેરિફ લાદ્યા.(૨૧.૩)
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
