<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

પ્રારંભિક તપાસમાં દિલ્હી પોલીસના સૂત્રોએ આને આતંકવાદી હુમલો ગણાવ્યો છે: ઘટનાસ્થળેથી વિસ્ફોટક સામગ્રી, વાયરિંગ અને બેટરીના ટુકડા મળી આવ્યા: જેના પરથી વિસ્ફોટ મેન્યુઅલી કરવામાં આવ્યો હોવાની મજબૂત ધારણા: ભીષણ કાર બ્લાસ્ટમાં મૃત્યુ આંક ૧૦: ૯ વાહનો ભશ્મિભૂત: બે ડઝનથી વધુ ઘાયલ: કારમાં રહેલા એક શંકાસ્પદની ધરપકડ અટક કરી હોસ્પિટલમાં દાખલ કર્યો

નવી દિલ્હી, સોમવાર આજે મોડી સાંજે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક એક ધીમી ગતિએ ચાલતી કારમાં જોરદાર વિસ્ફોટ થતાં રાજધાનીમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હી પોલીસે આ વિસ્ફોટને આતંકવાદી હુમલો હોવાની શંકા સાથે તપાસ શરૂ કરી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા છે. એલએનજેપી હોસ્પિટલના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આઠ લોકોને હોસ્પિટલ પહોંચતા પહેલા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વિસ્ફોટમાં ૨૪ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને સારવાર માટે એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે

 

આ ઘટના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક રેડ લાઇટ પર બની હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કારમાં આગ લાગી હતી અને તે ઝડપથી આસપાસના અન્ય વાહનોમાં ફેલાઈ ગઈ હતી. કુલ મળીને નવથી વધુ વાહનો (જેમાં કાર, ઇ-રિક્ષા અને ઑટોરિક્ષાનો સમાવેશ થાય છે) બળીને ખાક થઈ ગયા હતા અથવા તેમને ભારે નુકસાન થયું હતું. 

 

ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

બનાવને નજરે નિહાળનારાઓએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે નજીકની ઇમારતોની બારીઓ પણ હચમચી ઉઠી હતી. ઘટનાસ્થળે માનવ અંગો વેરવિખેર જોવા મળ્યા હતા, જે ભયાનકતા દર્શાવે છે.

 

 

આ પહેલા દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ જણાવ્યું કે સાંજે 6:52 વાગ્યે લાલ લાઇટ પર ધીમી ગતિએ રોકાયેલી કારમાં વિસ્ફોટ થયો.

 

પ્રારંભિક તપાસમાં દિલ્હી પોલીસના સૂત્રોએ આને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઘટનાસ્થળેથી વિસ્ફોટક સામગ્રી, વાયરિંગ અને બેટરીના ટુકડા મળી આવ્યા છે, જેના પરથી વિસ્ફોટ મેન્યુઅલી કરવામાં આવ્યો હોવાની શંકા મજબૂત બની છે.

 

 * તપાસ એજન્સીઓ: એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી), એનએસજી (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) અને એફએસએલ  (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.

 

પોલીસે વિસ્ફોટ સમયે કારમાં હાજર એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને તેને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે.

 

આ ઘટના બાદ દિલ્હી સહિત ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા સંવેદનશીલ રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ઘટના અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે વાતચીત કરીને પરિસ્થિતિની વિગતો મેળવી છે. હાલ સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે.

 

(10:00 PM IST)