News of Tuesday, 11th November 2025
દિલ્હીમાં લાલ કિલ્લા પાસેના હુમલાની તપાસ આત્મઘાતી આતંકી હુમલો ગણીને કરવામાં આવશે: ફરીદાબાદ-સહારનપુર મોડ્યુલ સાથે કનેક્શન; જૈશ-એ-મોહમ્મદના 'વ્હાઈટ કોલર' નેટવર્કના ઓપરેટિવ્ઝ આ હુમલા પાછળ હોવાની ધારણા
મોડ્યુલનો ફરાર સભ્ય ડૉ. ઉમર મોહમ્મદ જ આઇ-૨૦ કારમાં સવાર આત્મઘાતી હુમલાખોર ? દિલ્હી-યુપીમાં રેડ એલર્ટ: અયોધ્યા રામ મંદિર સહિત દેશના સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સોમવારે સાંજે એક ભયાનક આતંકવાદી હુમલાથી ધ્રૂજી ઉઠી હતી. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા એક શક્તિશાળી કાર બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૯ લોકોના કરુણ મોત થયા છે અને ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તપાસ એજન્સીઓ આ ઘટનાને આત્મઘાતી આતંકી હુમલો માની રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસ્ફોટકોથી ભરેલી એક હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહી ત્યારે તેમાં ધડાકો થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વાહનો અને ઇમારતોને ગંભીર નુકસાન થયું હતું.
આ હુમલાના તાર માત્ર ૧૮ કલાક પહેલા ફરીદાબાદ અને સહારનપુરમાં પકડાયેલા આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા હોવાની પ્રબળ આશંકા છે. રવિવારે, જમ્મુ-કાશ્મીર, યુપી અને હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશને જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા એક 'વ્હાઈટ કોલર' સ્લીપર સેલનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફરીદાબાદની યુનિવર્સિટીના એક આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મુઝમ્મિલ ગનૈ, ડૉ. આદિલ રાઠર (સહારનપુરથી ધરપકડ) અને લખનઉની એક મહિલા ડૉક્ટર શાહીન પણ સામેલ છે.
પોલીસે ફરીદાબાદના એક એપાર્ટમેન્ટમાંથી ૨૯૦૦ કિલોથી વધુ વિસ્ફોટક (એમોનિયમ નાઇટ્રેટ), એકે-૪૭ એસોલ્ટ રાઇફલ, પિસ્તોલ, ૨૦ ટાઈમર, રિમોટ કંટ્રોલ અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી હતી.
સૂત્રોનું માનવું છે કે આ મોડ્યુલનો ફરાર સભ્ય ડૉ. ઉમર મોહમ્મદ જ આઇ-૨૦ કારમાં સવાર આત્મઘાતી હુમલાખોર હોઈ શકે છે.
આ ઘટના બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અયોધ્યા રામ મંદિર સહિત દેશના સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહમંત્રીએ રાત્રે એલએનજેપી હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
