News of Tuesday, 11th November 2025
હાય રે કળિયુગઃ કરોડોની સંપત્તિ આપી છતાં ખાલી ૫૦૦ રૂપિયા માટે થઈને દીકરાઓએ પિતાને ઘરમાંથી કાઢી મુક્યા
અપનો ને દિયા હૈ ધોખા, ગૈરોં સે શિકાયત ક્યા? આ લાઇન મુઝફફરપુરના જર્દા ફેક્ટરી વિસ્તારમાં રહેતા ૯૩ વર્ષના બિદેશ્વર પ્રસાદની જિંદગી પર એકદમ ફીટ બેસે છે

મુઝફફરપુર તા.૧૧: અપનો ને દિયા હૈ ધોખા, ગૈરોં સે શિકાયત ક્યા? આ લાઇન મુઝફફરપુરના જર્દા ફેક્ટરી વિસ્તારમાં રહેતા ૯૩ વર્ષના બિદેશ્વર પ્રસાદની જિદગી પર એકદમ ફીટ બેસે છે. કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં આજે તેઓ જીવનના અંતિમ પડાવમાં મુઝફફરપુર નગર નિગમ દ્વારા સંચાલિત મુખ્યમંત્રી વૃદ્ધજન આશ્રય સ્થળમાં રહેવા મજબૂર છે. તેમની દર્દભરી કહાણી સાંભળી ભલભલાને રડવું આવી જાય.
બિદેશ્વર પ્રસાદ મૂળ સીતામઢી જિલ્લાના રુન્નીસૈદપુરના માધોપુર ગામના રહેવાસી છે. તેમની પાસે ગામમાં લગભગ પાંચ વીઘા જમીન હતી. ૧૯૭૮માં તેમણે મુઝફફરપુરમાં ૧.૫ ગુઠા જમીન ખરીદી ઘર બનાવ્યું. જેની આજે ત્રણ કરોડ રૂપિયા કિમત છે. તેમના ત્રણ દીકરા શિવ શંકર, ગૌરી શંકર, શિવજી પ્રસાદ અને બે દીકરીઓ સુશીલા, સુનીતા છે.
તેઓ કહે છે કે જવાનીમાં જ મેં ગામની જમીન પોતાના બંને દીકરીના નામે કરી દીધી અને મુઝફફરપુરનું આ ઘર મોટા દીકરાને આપી દીધું. જ્યાં સુધી શરીરમાં જીવ હતો અને પૈસા પણ હતા. બધા પૂછતા હતા. આજે ૯૩ વર્ષ થઈ ગયા, કોઈના ઘરમાં મારા માટે જગ્યા નથી, જેમના માટે આખી જિદગી કમાણી કરી, એ જ આજે પરાયા થઈ ગયા.
બિદેશ્વર જણાવે છે કે શરૂઆતમાં નાનો દીકરો શિવજી તેમની મદદ કરતો. તેણે લગભગ ૧૪ વર્ષ સુધી સૂતાપટ્ટીમાં તેમના કપડાંની દુકાનમાં મદદ કરી. પણ જેમ જેમ ઉંમર થવા લાગી, સ્થિતિ બદલાઈ ગઈ. તેમણે એ રાતને યાદ કરતા કહ્યું કે, મારી પીઠમાં ખૂબ દુખાવો હતો, ઊભો પણ થઈ શકતો નહોતો. મેં નાના દીકરા શિવજી પાસે ખાલી ૫૦૦ રૂપિયા માગ્યા. આટલી એવી વાતમાં તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે ત્રણ દીકરા છે, બધા પાસે જાઓ. એકલો હું જ શું કામ કરું? આવું કહેતા તેણે મારો ગાલ પકડ્યો અને રાતના ૧૦ વાગ્યે ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ત્યાર બાદ તેમણે બાકીના દિવસો બંને દીકરા અને દીકરીઓનો પણ સંપર્ક કર્યો, પણ સૌએ એવું કહીને હાથ ઊંચા કરી દીધા કે જ્યારે સંપત્તિ બધાને આપી છે તો અમે એકલા કેમ રાખીએ.
જ્યારે પોતાના લોકોએ હડસેલો આપ્યા બાદ બિદેશ્વરે પંચાયતની મદદથી નગર નિગમ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમમાં આશરો લીધો. તેઓ કહે છે કે અહીંની વ્યવસ્થા એટલી સારી છે કે તેમને પરિવારથી પણ વધારે સન્માન અને દેખરેખ મળે છે. જો કે તેમનું કહેવું છે કે તેમનો એક દીકરો ક્યારેક ક્યારેક મળવા આવે છે, પણ બાકી પરિવાર સાથે તેમને હવે કોઈ સંબંધ નથી. હવે તો તેમને ઘરે પાછા જતાં પણ ડર લાગે છે કે ક્યાંક તેમના દીકરા તેમનો જીવ ન લઈ લે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
