News of Tuesday, 11th November 2025
રાજસ્થાનમાં પાક સરહદ નજીક નેશનલ હાઇવે પર ફાઇટર પ્લેનનું શક્તિ પ્રદર્શન: જગુઆર, સુખોઈ અને તેજસે કર્યું સફળ ઉતરાણ; વાયુસેનાનો 'મહા-ગજરાજ' યુદ્ધાભ્યાસ સફળ

ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પાકિસ્તાન સરહદથી માત્ર ૪૦ કિલોમીટર દૂર એક્સપ્રેસ-વે ૯૨૫૧ પર બનાવેલી ઈમરજન્સી એર સ્ટ્રિપ પર ભવ્ય 'મહા-ગજરાજ' યુદ્ધાભ્યાસ યોજ્યો હતો. આ ઓપરેશન ત્રિશુલના ભાગરૂપે, ફાઈટર પ્લેન જગુઆર, સુખોઈ-૩૦ અને તેજસએ હાઈવે પર સફળતાપૂર્વક ઉતરાણ અને ઉડાન ભરીને પોતાની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-૨૯૫ ગ્લોબમાસ્ટરે પણ સફળ 'ટચ એન્ડ ગો' ટ્રાયલ કર્યો હતો.
દેશની સુરક્ષા અને તાત્કાલિક કાર્યવાહીની ક્ષમતા ચકાસવા માટે ભારતીય વાયુસેનાએ તાજેતરમાં રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલી અગડાવા-સેસાવા એર સ્ટ્રિપ ખાતે 'મહા-ગજરાજ' નામનો વિશાળ યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો. આ સ્ટ્રિપ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯૨૫૧ પર બનાવવામાં આવેલી એક ઈમરજન્સી લેન્ડિંગ સુવિધા છે.
યુદ્ધાભ્યાસ દરમિયાન, વાયુસેનાના શક્તિશાળી ફાઈટર જેટ્સ - જગુઆર અને સુખોઈ-૩૦ એ હાઈવેની ઈમરજન્સી સ્ટ્રિપ પર ઉતરાણ કરીને ફરી ઉડાન ભરી હતી. સ્વદેશી ફાઈટર પ્લેન તેજસ પણ સફળતાપૂર્વક લેન્ડ થયું હતું, જે ભારતીય વાયુસેનાની તૈયારી દર્શાવે છે. આ પહેલા, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-૨૯૫ ગ્લોબમાસ્ટરે પણ સ્ટ્રિપ પર 'ટચ એન્ડ ગો'નો સફળ ટ્રાયલ કર્યો હતો.
ઈમરજન્સી સ્ટ્રિપની વિશેષતા: આ યુદ્ધાભ્યાસ માટે ઉપયોગમાં લેવાયેલી એર સ્ટ્રિપ ૩ કિલોમીટર લાંબી અને ૩૩ મીટર પહોળી છે, જે ₹૩૨.૯૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને 3.5 કિમી લાંબા સર્વિસ રોડ સાથે જોડાયેલી છે. આ પ્રકારની ઈમરજન્સી સ્ટ્રિપ્સ દેશભરમાં ૨૫ જેટલી બનાવવાની યોજના છે, જે યુદ્ધ કે કુદરતી આફતના સમયે હવાઈ મિશનને જમીન પરથી સપોર્ટ પૂરો પાડશે.
આ યુદ્ધાભ્યાસ ઓપરેશન સિંદૂર પછી જેસલમેરમાં યોજાનાર સૌથી મોટા યુદ્ધાભ્યાસ ઓપરેશન ત્રિશૂળનો એક મહત્ત્વનો ભાગ ગણાય છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
