<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

ડોક્‍ટરોએ મૃત મહિલાના શરીરમાં ફરીથી લોહી દોડતું કર્યુ

મણિપાલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ ગીતા ચાવલાના મૃત્‍યુ બાદ તરત જ પરિવારની સહમતીથી ECMO એટલે કે એક્‍સ્‍ટ્રાકોર્પોરલ મેમ્‍બ્રેન ઓક્‍સિજનેટર નામનું ડિવાઇસ વાપરીને પેટની અંદર આવેલા અવયવોની અંદર બ્‍લડ-સર્ક્‍યુલેશન ચાલુ રાખ્‍યું

નવી દિલ્‍હી,તા.૧૨: માણસ મરી જાય એટલે હૃદય બંધ થઈ જાય અને હૃદયની ગતિ બંધ થવાની સાથે શરીરમાં લોહી ફરવાનું પણ બંધ થઈ જાય.

જોકે દિલ્‍હીની હ્યુમન કેર મેડિકલ ચેરિટેબલ ટ્રસ્‍ટની મણિપાલ હોસ્‍પિટલમાં ડોક્‍ટરોએ એક મૃત મહિલાના શરીરમાં લોહીને દોડતું કર્યું હતું. એશિયામાં પહેલી વાર આ ઘટના ઘટી હતી અને એવું કરવા પાછળનો આશય પણ ખૂબ ઉમદા હતો. વાત એમ હતી કે પંચાવન વર્ષનાં ગીતા ચાવલાને ચેતાતંત્રના રોગને કારણે લકવો પડી ગયો હતો અને તેમનાં ફેફસાં પણ હવે જાતે શ્વાસ નહોતાં લઈ શકતાં. લાંબો સમય લાઇફ સપોર્ટ સિસ્‍ટમ પર રહ્યા પછી રિકવરીની શક્‍યતાઓ નહીંવત્‌ હોવાથી લાઇફ સપોર્ટ સિસ્‍ટમ કાઢી લેવાઈ અને બીજા જ દિવસે તેઓ મૃત્‍યુ પામ્‍યાં. જોકે દરદીની ઇચ્‍છા હતી મૃત્‍યુ પછી ઓર્ગન-ડોનેશન કરવાની.

સામાન્‍ય રીતે બ્રેઇન-ડેડ વ્‍યક્‍તિનાં ઑર્ગન્‍સ જ કામ આવે છે, હૃદય બંધ પડી જવાને કારણે મૃત્‍યુ થયું હોય તો અવયવો સુધી લોહી પહોંચવાનું બંધ થઈ જવાથી ઑર્ગન્‍સ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે યોગ્‍ય નથી રહેતાં. મણિપાલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ ગીતા ચાવલાના મૃત્‍યુ બાદ તરત જ પરિવારની સહમતીથી ECMO એટલે કે એક્‍સ્‍ટ્રાકોર્પોરલ મેમ્‍બ્રેન ઓક્‍સિજનેટર નામનું ડિવાઇસ વાપરીને પેટની અંદર આવેલા અવયવોની અંદર બ્‍લડ-સર્ક્‍યુલેશન ચાલુ રાખ્‍યું. આ મશીનથી ચાર કલાક સુધી અવયવો ધબકતા રહ્યા અને ત્‍યાં સુધીમાં તેમના અંગદાનની પ્રક્રિયાઓ પૂરી કરી લેવામાં આવી. તેમનું લિવર અને બન્ને કિડનીનું દાન કરીને ત્રણ દરદીને જીવતદાન મળ્‍યું.

 

(10:14 AM IST)