<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

હું એ દરેક મહિલાઓને સાથે લઈને ચાલી રહી છું...જે અમારામાંથી પ્રેરણા લે છે

મિસ યુનિવર્સ ૨૦૨૫માં ભાગ લેવા પહોંચેલી મનિકા વિશ્વકર્માએ આપેલા જવાબે લોકોનું દિલ જીતી લીધું : મનિકા વિશ્વકર્માનો જવાબ સાંભળીને ઇન્‍ટરવ્‍યુ લેનારના મોઢેથી પણ ‘વાહ'નો ઉદગાર સરી પડયો હતો

બેંગકોક,તા.૧૨: મહિલાઓને પ્રોત્‍સાહન આપવા માટે દર વર્ષ મિસ ઇન્‍ડિયા, મિસ યુનિવર્સ જેવી સ્‍પર્ધાઓ યોજાય છે. આ વર્ષે મિસ યુનિવર્સ ૨૦૨૫નું આયોજન થાઈલેન્‍ડમાં કરવામાં આવ્‍યું છે. જેમાં મનિકા વિશ્વકર્મા ભારતનું પ્રતિનિધિત્‍વ કરી રહી છે. તે પોતાના આત્‍મવિશ્વાસ, સ્‍ટાઈલ અને વિચારધારાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્‍દ્ર બની છે. તાજેતરમાં તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

મિસ યુનિવર્સ ૨૦૨૫માં ભાગ લેવા પહોંચેલી મનિકા વિશ્વકર્માને મીડિયા દ્વારા એક સવાલ પૂંછવામાં આવ્‍યો હતો. જેના મનિકાએ આપેલા જવાબે લોકોનું દિલ જીતી લીધું છે. મનિકાને પ્રશ્ન પૂંછવામાં આવ્‍યો હતો કે, શું તમે કહેશો કે મિસ યુનિવર્સની સ્‍પર્ધામાં ભાગ લેવો એ દરેક છોકરીનું સપનું હોય છે, પરંતુ માત્ર એક મહિલાની યાત્રા છે?

આ પ્રશ્નના જવાબમાં મનિકા વિશ્વકર્માએ જણાવ્‍યું કે, ‘‘હું એવું નથી માનતી. હું અહીંયા પહોંચી છું, કારણ કે મારી માતાએ અભ્‍યાસ કર્યો, તેમણે મને શિક્ષણ આપ્‍યું. હું અહીં એટલા માટે છું, કારણ કે ઓડિશનના દિવસે ઘણી છોકરીઓએ મને કહ્યું કે, મારે ભાગ લેવો જોઈએ. મારા મિત્રોએ મને સહકાર આપ્‍યો, તેથી હું એ દરેક મહિલાઓને સાથે લઈને ચાલી રહી છું. હું પોતાની સાથે અબજો સપના લઈને ચાલી રહી છું.''

મનિકા વિશ્વકર્માએ આગળ જણાવ્‍યું કે, ‘‘આ માત્ર એક મહિલાનું સપનું કે યાત્રા નથી. પરંતુ અબજો સપનાઓનો ભાર છે, જેને હું સાથે લઈને ચાલી રહી છું. હું મારા સમાજ અને સમગ્ર દેશની અપેક્ષાઓનું પ્રતિનિધિત્‍વ કરી રહી છું. દરેક દેશમાં મહિલાઓ અને નાની-નાની છોકરીઓ છે, જે અમને જોઈને પ્રેરણા લે છે. તેઓ અમારી યાત્રાને જોઈ રહી છે અને કદાચ તે આ રસ્‍તે ચાલવાની હિમત ભેગી કરી રહી છે.''

મનિકા વિશ્વકર્માનો જવાબ સાંભળીને ઇન્‍ટરવ્‍યુ લેનારના મોઢેથી પણ ‘વાહ'નો ઉદગાર સરી પડ્‍યો હતો. મનિકા વિશ્વકર્માના ઇન્‍ટરવ્‍યુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે, તેમને કોઈ પ્રશ્ન ન પૂછશો, તેના જવાબથી સૌના મોઢા સિવાઈ જશે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, મનિકા બ્‍યુટી વિધ બ્રેન છે અને તે તાજ અવશ્‍ય જીતશે

(10:15 AM IST)