<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

ઠેર ઠેર બદલાયું હવામાન: તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી, દિલ્હીમાં હવા 'ઝેરી'

દિલ્હી-NCR માં AQI ગંભીર શ્રેણીમાં 416 નોંધાયો, તાત્કાલિક અસરથી GRAP સ્ટેજ III લાગુ; મધ્યપ્રદેશમાં તીવ્ર શીત લહેરની ચેતવણી

નવી દિલ્હી,12 નવેમ્બર, 2025 : ભારતમાં હવામાન અને પર્યાવરણ બંનેમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. એક તરફ જ્યાં દક્ષિણ ભારતમાં મેઘરાજાની હાજરી વર્તાઈ રહી છે, ત્યાં બીજી તરફ ઉત્તર ભારતમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી ગયું છે.

દક્ષિણ અને મધ્ય ભારતમાં હવામાનની સ્થિતિ: ભારત હવામાન વિભાગ (IMD) એ આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક રહેવા જણાવાયું છે. બીજી તરફ, મધ્ય ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. IMD અનુસાર, આ મહિનાની 15 તારીખ સુધી મધ્યપ્રદેશમાં શીત લહેરથી લઈને તીવ્ર શીત લહેર જેવી સ્થિતિ પ્રવર્તશે. આ જ પ્રકારની શીતલહેરની સ્થિતિ આગામી 3 થી 4 દિવસ દરમિયાન દક્ષિણ હરિયાણા, છત્તીસગઢ, દિલ્હી, ચંદીગઢ અને પૂર્વ રાજસ્થાનમાં પણ અનુભવાશે.

દિલ્હી-NCR માં ગંભીર પ્રદૂષણ: ઠંડીના આગમન સાથે જ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં હવાની ગુણવત્તા 'ગંભીર' શ્રેણીમાં સ્થિર છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, આજે બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રદેશનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 416 નોંધવામાં આવ્યો છે, જે ગંભીર સ્વાસ્થ્ય જોખમ દર્શાવે છે. વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક અસરથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) નો સ્ટેજ III લાગુ કર્યો છે, જેમાં બાંધકામ અને જૂના વાહનો પર પ્રતિબંધ જેવા કડક પગલાં લેવાયા છે.

 

(4:18 PM IST)