News of Wednesday, 12th November 2025
ફેમિલી પેન્શન માટે ફેમિલી યાદીમાંથી દીકરીનું નામ નહીં હટાવાય.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરતા પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફેમિલી પેન્શન માટે ફેમિલી યાદીમાંથી દીકરીનું નામ નહીં હટાવાય. વિભાગે આ સ્પષ્ટતા એવા સમયે જારી કરી છે જ્યારે નિવૃત્તિ પછી કર્મચારીઓના પરિવારની યાદીમાંથી દીકરીઓના નામ દૂર કરવા અંગે ઘણી ફરિયાદો મળી હતી. એટલુ જ નહીં મૃત સરકારી કર્મચારીના પરિવારના સભ્યનું નામ ફોર્મ 4 માં અથવા ઓફિસ રેકોર્ડમાં ઉપલબ્ધ ન હોય, તો તે સભ્યનો પેન્શન દાવો નકારવામાં આવશે નહીં, જો ઓફિસ ખાતરી કરે કે સભ્ય નિયમો અનુસાર લાયક છે.
DoPPW ના કાર્યાલયના મેમોરેન્ડમમાં જણાવાયું છે કે દરેક સરકારી કર્મચારી અથવા પેન્શનધારક માટે પરિવારના બધા સભ્યોની વિગતો આપવી ફરજિયાત છે, પછી ભલે તેઓ ફેમિલી પેન્શન માટે પાત્ર હોય કે ન હોય.
વિભાગે સ્પષ્ટતા કરી, "જ્યારે કોઈ સરકારી કર્મચારી નિર્ધારિત પ્રોફોર્મામાં પરિવારના સભ્ય તરીકે દીકરીનું નામ જણાવે છે, ત્યારે તેને પરિવારનો સભ્ય ગણવામાં આવશે." તેથી પુત્રીનું નામ પરિવારના સભ્યોની યાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં. આનો અર્થ કે દીકરીનું નામ યાદીમાં રહેશે, ભલે તે તે સમયે ફેમિલી પેન્શન માટે લાયક ન હોય. પેન્શનરના મૃત્યુ પછી જ પાત્રતાની તપાસ કરવામાં આવશે
. આ જોગવાઈ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો 2021 ના નિયમ 50(15) હેઠળ આવે છે. આ નિયમ અનુસાર કોઈ વ્યક્તિ સરકારી સેવામાં પ્રવેશતાની સાથે જ, તેણે તેના પરિવારના બધા સભ્યો - જેમ કે જીવનસાથી, બાળકો, માતાપિતા અને ભાઈ-બહેનની વિગતો આપવી જરૂરી છે કે તેઓ ફેમિલી પેન્શન માટે લાયક છે કે નહીં.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
