News of Thursday, 13th November 2025
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમના નામે સોશિયલ મીડિયા પર ભ્રામક દાવો વાયરલ; 'અમેરિકા બચાવવાના સ્વપ્ન'ની વાત પાયાવિહોણી
આ પોસ્ટને અમેરિકાના ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ દ્વારા 'રિપોસ્ટ' કરવામાં આવતા આ દાવાને વધુ પ્રસાર મળ્યો હતો: જોકે, વિશ્વસનીય સમાચાર એજન્સીઓ અને ફેક્ટ-ચેકર્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થયો છે

વોશિંગ્ટન: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ગવર્નર અને ડેમોક્રેટિક પાર્ટીના ઉભરતા નેતા ગેવિન ન્યૂસમને લઈને સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 'MAGA Scope' નામના એક 'કોમેન્ટરી એકાઉન્ટ' દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરાયો હતો કે, "ગેવિન ન્યૂસમે કહ્યું કે તેમને સ્વપ્ન આવ્યું હતું કે તેમનો જન્મ અમેરિકાને બચાવવા માટે થયો છે."
આ પોસ્ટને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ દ્વારા 'રિપોસ્ટ' કરવામાં આવતા આ દાવાને વધુ પ્રસાર મળ્યો હતો. જોકે, વિશ્વસનીય સમાચાર એજન્સીઓ અને ફેક્ટ-ચેકર્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થયો છે.
સત્તાવાર તપાસમાં બહાર આવ્યું છે કે ગવર્નર ગેવિન ન્યૂસમે ક્યારેય કોઈ જાહેર મંચ, ભાષણ કે ઈન્ટરવ્યુમાં આવું કોઈ નિવેદન આપ્યું નથી. જે એકાઉન્ટ પરથી આ દાવો શરૂ કરવામાં આવ્યો હતો તે કોઈ સમાચાર સંસ્થા નથી, પરંતુ રાજકીય ટિપ્પણીઓ કરતું એકાઉન્ટ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આવા દાવાઓ ઘણીવાર રાજકીય વિરોધીઓને અહંકારી અથવા વાસ્તવિકતાથી દૂર સાબિત કરવાના હેતુથી ફેલાવવામાં આવતા હોય છે.
ન્યૂસમને ડેમોક્રેટિક પક્ષના ભાવિ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પણ જોવામાં આવે છે, ત્યારે તેમના વિરુદ્ધ આવા ભ્રામક પ્રચારમાં વધારો જોવા મળી રહ્યો છે.
(1:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
