News of Thursday, 13th November 2025
દિલ્હીમાં હોટલ રેડિસન પાસે વિસ્ફોટ જેવા અવાજથી અફડાતફડી
પોલીસ ઉંધા માથેઃ તપાસ બાદ ડીટીસી બસનું પાછળનું ટાયર અચાનક ફાટતા વિસ્ફોટ થયો : પોલીસ અને ફાયર વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો

નવી દિલ્હી, તા.૧૩: દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં આવેલી હોટલ રેડિસન બ્લૂ પાસે આજે સવારે એક જોરદાર ધડાકો સંભળાયો હોવાના અહેવાલે તંત્ર અને લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. જોકે, પોલીસ અને ફાયર વિભાગની તપાસ બાદ આ ઘટના પાછળનું સત્ય સામે આવ્યું છે અને રાહતના સમાચાર મળ્યા છે.
આજે સવારે ૯:૧૮ વાગ્યે દિલ્હી ફાયર સર્વિસને એક ફોન કોલ મળ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મહિપાલપુરમાં આવેલી હોટલ રેડિસન પાસે બોમ્બ બ્લાસ્ટ જેવો વિસ્ફોટક અવાજ સાંભળવા મળ્યો છે. આ માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ત્રણ ફાયર એન્જિન રવાના કરી દીધા હતા અને દિલ્હી પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી.
શું હતું સત્ય? ઘટનાસ્થળે પહોંચીને પોલીસે અને સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ત્યાં કોઈ બોમ્બ વિસ્ફોટ કે આતંકી ઘટના બની નહોતી. સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓની પૂછપરછ બાદ સ્પષ્ટ થયું કે, ધૌલા કુઆં તરફ જઈ રહેલી એક ડીટીસી બસનું પાછળનું ટાયર અચાનક ફાટયું હતું. ટાયર ફાટવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે લોકોને તે કોઈ વિસ્ફોટ જેવો લાગ્યો હતો, જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી.
દિલ્હી પોલીસે આ ઘટના અંગે સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, મહિપાલપુરમાં વિસ્ફોટના કોલની તપાસ કરવામાં આવી છે. ત્યાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી કે કોઈ વિસ્ફોટ થયો નથી. ડીટીસી બસનું ટાયર ફાટવાને કારણે આ અવાજ આવ્યો હતો. હાલ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે, તેથી આજના અવાજે થોડા સમય માટે વહીવટી તંત્રના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. (રર.૯)
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
